Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

હાર્દિક પટેલે પોતાની રજુઆત કરવા રાહુલ ગાંધી પાસે સમય માંગ્‍યોઃ નરેશ પટેલે સલાહ આપી હતી

અસંમજસની સ્‍થિતિમાં હાર્દિક શું નિર્ણય લે છે તે આવનારો સમય બતાવશે

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલ હાઇકમાન્‍ડના શરણે જઇને મુલાકાત માટે સમય માગ્‍યો છે. કેટલાક રાજકારણ સાથે જોડાયેલા સૂત્રો જણાવે છે કે હાર્દિક કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે. બંધ બારણે નરેશ પટેલ સાથે પણ રાજકીય અને સામાજિક મુદ્દા પર ચર્ચા કરી હતી.

ગુજરાત કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલ મુદ્દે મહત્વના સમાચાર મળી રહ્યા છે. આખરે કોંગ્રેસથી નારાજ હાર્દીક પટેલ હાઇ કમાન્ડના શરણે પહોંચ્યો છે. જાણવા મળી રહ્યું છે કે હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી નારાજગી દૂર કરવા અને પોતાની રજૂઆત કરવા રાહુલ ગાંધી સાથે મુલાકાતનો સમય માંગ્યો છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, હાર્દિક પટેલે રાહુલ ગાંધી પાસે મળવાના સમય માંગતા એકાદ દિવસમાં રાહુલ ગાંધી સાથે તેઓ મુલાકાત કરી શકે છે. બીજી બાજુ એવું પણ જાણવા મળી રહ્યું છે કે નરેશ પટેલે પણ હાર્દિકને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવાની સલાહ આપી છે. છેલ્લા કેટલાંક સમયથી રાજકારણ સાથે જોડાયેલા સુત્રો જણાવી રહ્યા હતા કે હાર્દીક કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે. પરંતુ હવે હાર્દિક શું નિર્ણય લે છે તે તો આવનારો સમય જ દેખાડશે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે રાજકોટમાં ખોડલધામ ખાતે નરેશ પટેલે પાસના આગેવાનો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા અને અલ્પેશ કથિરિયા હાજર રહ્યા હતા. ખોડલધામ ખાતેની બેઠકમાં સામાજીક અને રાજકીય ચર્ચા મુદ્દા પર ચર્ચા થઈ હતી. તો સાથે જ હાર્દિક પટેલની કોંગ્રેસથી નારાજગી અંગે પણ ચર્ચા થઈ હતી. બેઠક બાદ હાર્દિક પટેલે કહ્યુ કે, આજે અમે રાજકીય, સામાજિક પારિવારિક મુદ્દા પર ખૂલીને ચર્ચા કરી છે. નરેશભાઈની સલાહ હંમેશા અમે માનીને આગળ વધીએ છીએ.

કોંગ્રેસ સાથે નારાજગીની વાત પર હાર્દિક પટેલે કહ્યુ કે, હું કોંગ્રેસથી નારાજ છું તે જગજાહેર છે. કાર્યકારી પ્રમુખ છું તો એની એક જવાબદારી હોય. અમે કામ માંગીએ છીએ, અમે પદ નથી માંગતા. મારા મુદ્દાઓનું નિરાકરણ ન આવે તો ઉદેપુર ચિંતન શિબિરમાં જઈને શું કરું. અત્યાર સુધી પક્ષને આપ્યુ જ છે, કંઈ લીધુ નથી. કોંગ્રેસના નેતાઓ શુ વિચારે છે તેની મને ખબર નથી, પણ નરેશભાઈ હાઈકમાન્ડ સાથે વાત કરી રહ્યાં છે. નરેશભાઈના નિર્ણય સાથે હું છું. નરેશભાઈ જેમની સાથે જોડાશે તે પાર્ટીને ફાયદો થશે.

તો હાર્દિક પટેલના કોંગ્રેસ છોડવા અંગે તેમણે કહ્યુ કે, હાર્દિક જ્યા છે ત્યા યથાવત રહેશે. આગામી દિવસોમાં તમામ નિર્ણયો લેવાશે. હાર્દિકને જે પ્રશ્નો છે તે સોલ્વ કરવા તે અને હુ બંને પ્રયાસો કરી રહ્યા છીએ. ક્યાંય પણ જવુ તે હાર્દિકનો અંગત નિર્ણય હોઈ શકે. નિર્ણય સંવતંત્ર હોય છે, તે લે તો જ સાચો પડે. આજની બેઠકમાં પક્ષ ફેરવવાની કોઈ ચર્ચા થઈ નથી. હાર્દિક હાલ એટલો મેચ્યોર છે કે મને સમજાવી શકે તેમ છે.

(4:57 pm IST)