Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

પાણીની અછતને પહોંચી વળવા પાલનપુરના અખાણી પરિવારે અનોખી નવી ટ્રિકઃ છેલ્લા 20 વર્ષથી અપનાવી આ ટ્રિક

વરસાદી પાણીનો સંગ્રહ કરી આખુ વર્ષ ચાલે તે પ્રમાણે કરાઇ ખાસ ટાંકીની રચનાઃ વરસાદી પાણી શરીર માટે ખુબ લાભદાયી

બનાસકાંઠાઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્‍યા સર્જાઇ છે, જેને પહોંચી વળવા પાલનપુરમાં રહેતા અખાણી પરિવાર દ્વારા કુદરતનો સહારો લેવામાં આવ્‍યો છે. છેલ્લા 20 વર્ષથી અખાણી પરિવારના મોભી અને આયુર્વેદના વૈદ્ય મહેશભાઇ અખાણી દ્વારા એક 20 હજાર લીટરનું ટાંકો બનાવવામાં આવ્‍યો છે, જેનું પાણી તેઓ આખુ વર્ષ ચલાવે છે. તેમના મત મુજબ આ પાણી પીવામાં ખુબ જ મીઠુ અને પચાવવામાં હલકુ હોય છે.

પાલનપુરમાં રહેતો અખાણી પરિવાર છેલ્લા 20 વર્ષથી વરસાદી પાણીનો સંગ્રહ કરીને તેનો ઉપયોગ રસોઈ અને પીવાના પાણીમાં કરી રહ્યો છે. જોકે વરસાદી પાણીના ઉપયોગને લઈને આ પરિવારમાં ચામડીના રોગો, દાંત કે હાડકાંના સાંધાના દુખાવાની કોઈ સમસ્યા નથી તો આ પાણીના ઉપયોગથી સ્વાદિષ્ટ રસોઈ બને છે તો આ પાણી શરીર માટે ખુબ જ ફાયદાકારક છે

ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો કેટલાય સમયથી જળસંકટને લઈને પીવાના પાણીની સમસ્યા ભોગવી રહ્યો છે. તેવામાં પાલનપુરમાં રહેતા અને સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા અને આયુર્વેદના વૈદ્ય મહેશભાઈ અખાણીનો પરિવાર છેલ્લા 20 વર્ષથી વરસાદી પાણીનો સંગ્રહ કરીને તેનો ઉપયોગ પીવાના પાણી અને રસોઈમાં કરી રહ્યો છે. તેમનું કહેવું છે કે આકાશમાંથી આવતું પાણી એ ગંગાના પાણી જેટલું જ પવિત્ર છે અને તે નકામું વહી જાય છે શાસ્ત્રોમાં પણ આ પાણીનો ઉપયોગ કરવો ખુબ જ શુભ માનવામાં આવ્યો છે.

વરસાદી પાણી ખુબ જ સારું અને ઉત્તમ હોય છે. જો કે પાણીનું સંરક્ષણ નક્ષત્ર જોઈને કરવાનું હોય છે. અમે વરસાદ શરૂ થતાં જ તેની તૈયારીઓ શરૂ કરી દઈએ છીએ. એવું કહેવાય છે કે સૌથી શ્રેષ્ઠ નક્ષત્ર આદ્રા હોય છે. તે વખતે સંયોગ ન બને કે વરસાદ ન પડે તો મધા પછી આશ્લશા અને પછી રોહિણી નક્ષત્રમાં પાણી ભરી શકાય છે. મેં મારા ઘરના આંગણામાં 20 હજાર લીટરની ક્ષમતા વાળું ટાંકુ બનાવ્યું છે. જેનું પાણી આખું વર્ષ ચાલે છે અને આ પાણીથી ચામડીના રોગો, સાંધાના દુખાવા, દાંતની તકલીફ થતી નથી. આ પાણી પીવામાં મીઠું અને પચવામાં ખુબજ હલકું છે તેનાથી સ્વાદિષ્ટ રસોઈ બને છે, એટલે વરસાદી પાણીનો સંગ્રહ કરીને તેનો ઉપયોગ તમામ લોકોએ કરવો જોઈએ.

અત્યારના આધુનિક જમાનામાં મોટાભાગના ઘરોમાં RO સિસ્ટમનો વપરાશ વધી રહ્યો છે, પણ RO ફિલ્ટરના કારણે પાણીમાં રહેલા મોટાભાગના કેલ્શિયમ જે શરીર માટે ખુબ જ ઉપયોગી હોય છે તે બહાર નીકળી જાય છે પણ જો વરસાદી પાણીનો ઉપયોગ કરવામાં આવે તો શરીર માટે જરૂરી મિનરલ, કેલ્શિયમ પાણીમાં આવી જાય છે. જો તે પાણીમાં નહિ મળે તો હાડકાંના, હૃદયની બીમારી તેમજ મગજને મળવું જોઈએ તે મેગ્નેશિયમ મળે તો માનસિક સમસ્યા શરૂ થઈ જાય છે. જેથી સાયન્સટિફિક રીતે હવે લોકો વરસાદી પાણીનો ઉપયોગ કરતા શીખ્યા છે. જેથી લોકો આ વરસાદી પાણીનો સંગ્રહ કરીને તેનો ઉપયોગ કરે તો ઘણી બધી સમસ્યાઓનો અંત આપી શકે છે. તો વરસાદી પાણીનો સંગ્રહ કરવાથી પાણીની તકલીફ પણ ઓછી થશે.

(5:36 pm IST)