Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

સુરત:જસદણ સરતાનપરામાં ડુપ્લીકેટ તમાકુ બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલ વોન્ટેડ સંચાલકને પોલીસે અમરોલી સાયણ ચેક પોસ્ટ નજીકથી ઝડપી પાડયો

સુરત: જસદણના સરતાનપરમાં એક વર્ષ અગાઉ ઝડપાયેલા ડુપ્લીકેટ તમાકુ બનાવવાના કારખાનાના વોન્ટેડ સંચાલકને સુરત એસઓજીએ અમરોલી સાયણ ચેક પોસ્ટ પાસેથી ઝડપી લીધો હતો. મિત્રને ત્યાં આવેલા ચેતન ઉર્ફે ચેતો પરમાર વિરુદ્ધ રાજકોટમાં ખંડણી, મારામારી, દારૂના 17 જેટલા ગુના નોંધાયા છે. એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એએસઆઈ જલુભાઈ મગનભાઈ અને હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લાભુભાઈને મળેલી બાતમીના આધારે સુરત શહેર એસઓજીએ અમરોલી સાયણ ચેક પોસ્ટ પાસેથી ચેતન ઉર્ફે ચેતો હસમુખભાઇ પરમાર ( પ્રજાપતી ) ( રહે. પરામા પાવર હાઉસ પાસે, બોટાદ ) ને ઝડપી લીધો હતો. ચેતન ઉર્ફે ચેતો જસદણના સરતાનપરમાં મુનાભાઈ ભરતભાઈ ખાચરની વાડીમાં એક ઓરડીમાં ડુપ્લીકેટ વિમલ પાન મસાલા અને બાગબાન તમાકુ બનાવવાનું કારખાનું ચલાવતો હતો. એક વર્ષ અગાઉ સ્થાનિક પોલીસે રેઈડ કરતા ત્યાં કામ કરતા મુનાભાઈ ખાચર અને રમેશભાઈ સોલંકી ઝડપાઈ ગયા હતા. જયારે તે પોલીસથી બચવા ભાગતો ફરતો હતો. સુરતમાં મિત્રને ત્યાં આવેલા ચેતન ઉર્ફે ચેતો રીઢો ગુનેગાર છે. તેના વિરુદ્ધ રાજકોટમાં ખંડણી, મારામારી, દારૂના 17 જેટલા ગુના નોંધાયા છે. સુરત એસઓજીએ તેનો કબજો જસદણ પોલીસને સોંપ્યો છે.

(5:56 pm IST)