Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

વડોદરા:રેલવે ટ્રેક પર ઉભેલ ટ્રેનની નીચેથી પસાર થઇને જઈ રહેલ વૃદ્ધ કચડાઈ જતા અરેરાટી મચી જવા પામી

વડોદરા: રેલવે  ટ્રેક પર ઉભેલી ગુડ્ઝ ટ્રેનની નીચેથી  વૃદ્ધ પસાર થઇને સામે છેડે જતા હતા.તે દરમિયાન અચાનક ટ્રેન ચાલુ થઇ જતા વૃદ્ધ નીચે કચડાઇ ગયા હતા.જે  અંગે રેલવે પોલીસને  જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર  જઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,વિશ્વામિત્રી બ્રિજ પાસે કાલીદાસની ચાલીમાં રહેતા ૬૦ વર્ષના ગણપતભાઇ મોતીભાઇ માળી ગત રાતે જમીને ચાલવા નીકળ્યા હતા.ઘરની નજીકમાં આવેલા રેલવે ટ્રેક  પર ઉભેલી ગુડ્ઝ ટ્રેનની નીચેથી તેઓ સામેના છેડે જતા હતા.તે દરમિયાન અચાનક ટ્રેન ચાલુ થઇ  જતા તેઓ કચડાઇ  ગયા હતા.ટ્રેન  પસાર થઇ ગયા પછી આજુબાજુના લોકોને આ અંગેની જાણ થતા તેઓએ જઇને તપાસ કરતા મૃતકની ઓળખ થઇ હતી.રેલવે પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય એક બનાવમાં રેલવે  પોલીસને વિશ્વામિત્રી રેલવે ફાટક પાસેથી એક  અજાણ્યા યુવાનની લાશ મળી હતી.જેની ખોપરી તૂટેલી હાલતમાં હતી.પોલીસે લાશનો કબજો લઇ સયાજી હોસ્પિટલમાં પી.એમ.માટે મોકલી આપી હતી.પોલીસને મૃતક પાસેથી એક રૃમાલ, રોકડા ૧૫૦ રૃપિયા તથા બંધ હાલતમાં એક મોબાઇલ ફોન મળ્યો હતો.ફોન ચાર્જ કરી પોલીસે તેમાં રહેલા કોલ લિસ્ટના આધારે મૃતકની ઓળખ કરી હતી.મૃતકનું નામ અસફાક ગુલામકાદર વોરા (રહે.તાઇફનગર, તાંદલજા) હોવાનું જાણવા મળ્યું હતું.અસફાકના મોત અંગે રેલવે પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ.જીતેન્દ્રસિંહે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસનેે શંકા છે કે,આ બનાવ આપઘાતનો છે.જેથી,પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:59 pm IST)