Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

બોરસદ તાલુકાના રાસ ગામે બસ સ્ટેન્ડ નજીક નજીવી બાબતે લાકડાના ડંડાથી માર મારનાર એકજ પરિવારના પાંચ શખ્સોને બે વર્ષની સજાની સુનવણી કરવામાં આવી

બોરસદ:તાલુકાના રાસ ગામે આવેલા બસ સ્ટેન્ડ નજીક સાડા ચારેક વર્ષ પહેલા અગાઉ થયેલા કેસના સમાધાન બાબતે એકને લાકડાના ડંડા તેમજ લોખંડની પાઈપથી માર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડનાર પાંચને બોરસદની કોર્ટે તકશીરવાર ઠેરવીને બે-બે વર્ષની સજાનો હુકમ કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૨૦-૧૧-૧૭ના રોજ રાત્રીના નવેક વાગ્યાના સુમારે અશોકભાઈ મગનભાઈ પરમારને ઈન્દિરા કોલોનીમાં રહેતા મહેન્દ્રભાઈ મગનભાઈ ચાવડા, અમીતભાઈ મગનભાઈ ચાવડા, લ-મણભાઈ મગનભાઈ ચાવડા અને મગનભાઈ શનાભાઈ ચાવડાએ અગાઉ કરેલા કેસનું સમાધાન કરી નાંખવા બાબતે ગમે તેવી ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. મહેન્દ્રભાઈએ ઉશ્કેરાઈ જઈને અશોકભાઈને જમણી આંખ ઉપર લાકડાનો ડંડો મારી દીધો હતો.જ્યારે અમીતભાઈ, ભુપેન્દ્રભાઈ, અને લ-મણભાઈએ પણ લાકડાના ડંડાથી માર મારીને જતા રહ્યા હતા. થોડીવાર બાદ મગનભાઈ લોખંડની પાઈપ લઈને આવી પહોંચ્યા હતા અને માથાના ભાગે મારીને ગમે તેવી ગાળો બોલી હતી. આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને પાંચેયની ધરપકડ કરી હતી અને તપાસ પુર્ણ કર્યા બાદ પુરાવાઓ મળતા બોરસદની કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતુ.

(6:00 pm IST)