Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ક્રિપ્ટોમાં ડબલની લાલચે ૧૦.૮૦ લાખનો ચુનો ચોપડનારો ઝડપાયો

ક્રિપ્ટો કરન્સીમાં લાલચ આપીને છેતરપિંડીના બનાવઃઅમદાવાદમાં રહેતા યુવકને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ અને ડબલ વળતરની લાલચ આપીને ઠગે છેતરપિંડી આચરી હતી

 અમદાવાદ, તા.૧૭ :આજકાલ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા કે પછી ડબલ વળતરની લાલચ આપી લોકો સાથે છેતરપિંડીના કેસ વધી રહ્યા છે. આવો જ વધુ એક કિસ્સો અમદાવાદના ઘોડાસરમાંથી સામે આવ્યો છે. ઘોડાસરમાં રહેતા યુવકને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ અને ડબલ વળતરની લાલચ આપીને ઠગે છેતરપિંડી આચરી હતી. યુવકે પોતે તેમજ પોતાના મિત્રો, સંબંધીઓ પાસે પણ રોકાણ કરાવ્યુ હતુ. જે બાદ યુવકને રુપિયા ૧૦.૮૦ લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. જો કે, આ મામલે સાયબર ક્રાઈમ બ્રાંચમા ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ સાયબર ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઘોડાસરમાં આવેલા આવકાર હોલ નજીક મંગલમૂર્તિ ફ્લેટમાં રહેતા મિત ધર્મેશભાઈ સોનીનો સંપર્ક મનોજ શાહ સાથે થયો હતો. મનોજ શાહે મિતને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું કહ્યું હતું અને ડબલ વળતરની લાલચ આપી હતી. મનોજ શાહે સિબા નામની ક્રિપ્ટો કરન્સીના મલ્ટિ લેવલ માર્કેટિંગની એક સાઈટ બનાવી હતી. મનોજે મિતને પોતાના સિબા કોઈનમાં રોકાણ કરવાનું કહી ડબલ વળતરની લાલચ આપી હતી. મનોજની વાતોમાં આવી ગયેલા મિતે પોતે અને મિત્રો સહિત સંબંધીઓ પાસે પણ આમા રોકાણ કરાવ્યું હતું. સિબા કરન્સીમાં તેઓએ કુલ રુપિયા ૧૨.૪૫ લાખનું રોકાણ કર્યું હતું.

વર્ચ્યુઅલી મિતને પોતાના રુપિયા વધ્યા હોય એવું દેખાયું હતું. પરંતુ થોડા દિવસો બાદ મનોજે મિતને માત્ર ૧.૬૫ લાખ રુપિયા પરત કરીને વેબસાઈટ બધ કરી દીધી હતી. પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા સાયબર ક્રાઈમ બ્રાંચમાં મનોજ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. સાયબર ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જે બાદ મનોજ શાહ નામના ઠગને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ પહેલો કિસ્સો નથી કે કોઈ ક્રિપ્ટો કરન્સીના નામે છેતરાયું હોય. આવા અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બની ચૂક્યા છે.

તાજેતરમાં જ સુરતના કાપોદ્રામાં રહેતો અને કાપડનો વેપારી પણ ક્રિપ્ટોમાં રોકાણમાં કરવાની લાલચમાં છેતરાયો હતો. ઈન્સ્ટાગ્રામ પર એક લિંક મોકલી ક્રિપ્ટોમાં રોકાણ કરી ૧૦થી ૧૨ ટકા રિટર્ન મળવાની લાલચ આપી મહારાષ્ટ્રના ઠગોએ સુરતના વેપારીને રૂપિયા ૬.૮૪ લાખનો ચૂનો લગાવ્યો હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાઈ છે. આ ઠગોએ વેપારી પાસે રૂપિયા જમા કરાવડાવ્યા પછી આઈડી બ્લોક કરી દઈ છેતરપિંડી આચરી છે.

(7:48 pm IST)