Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

BU પરમિશન વિનાના બિલ્ડિંગોને રાહતઃ કોરોના હશે ત્યાં સુધી નહીં થાય કાર્યવાહી

માર્ચ ૨૦૨૨ સુધી BU પરમિશન કે ફાયર NOC ન ધરાવતા બિલ્ડિંગો સામે કાર્યવાહી નહીં કરવામાં આવેઃ જોકે, આ સમયગાળા દરમિયાન જે-તે બિલ્ડિંગમાં નિયમ મુજબનું કામ કરાવી લેવાનું રહેશે

અમદાવાદ, તા.૧૭: બાંધકામના માપદંડોનું પાલન ન કરનારા અને પોતાના બિલ્ડિંગ માટે હજી સુધી BU (બિલ્ડિંગ યુસેજ) પરમિશન ન મેળવનારાઓ માટે રાહતના સમાચાર છે. ગુજરાત સરકારે ઓછામાં ઓછી ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીની રાહત આપી છે.

કોરોના મહામારી દરમિયાન સરકાર પર કામનું ખૂબ ભારણ છે અને આ મુશ્કેલ સમયમાં સામાન્ય જનજીવનમાં ખલેલ ના પહોંચાડવા માગતા હોવાના દાવા સાથે રાજય સરકારે બીયુ પરમિશન ન ધરાવતા બિલ્ડિંગોને રાહત આપી છે. કોરોનાની પરિસ્થિતિ રહે ત્યાં સુધી રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.

કોરોના મહામારી શરૂ થતાં એપિડેમિક રેગ્યુલેશન્સ ૧૩ માર્ચ ૨૦૨૦થી લાગુ કરવામાં આવ્યા હતા અને ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી અમલમાં રહેશે. મતલબ કે, બીયુ પરમિશન વિનાના બિલ્ડિંગો સામે ઓછામાં ઓછી ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી કોઈ જ શિક્ષાત્મક કાર્યવાહી નહીં કરવામાં આવે. આઠ મહાનગરપાલિકા ઉપરાંત તમામ નગરપાલિકા સહિતના વિસ્તારોમાં આ રાહત અપાશે. જોકે, લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને સરકાર ફાયર સેફ્ટીના મામલે કોઈ બાંધછોડ નથી કરવા માગતી તેવો પણ ઉલ્લેખ પરિપત્રમાં કરવામાં આવ્યો છે.

શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીએ કહ્યું, કોરોના મહામારીની અસર અને આ સમયગાળામાં GDCRના માપદંડોના અમલમાં મુશ્કેલીને ધ્યાનમાં રાખીને રાજય સરકારે માર્ચ ૨૦૨૨ સુધી કોઈ જ કાર્યવાહી ન કરવાનો નિર્ણય કર્યો છે. જેથી લોકોને માપદંડોને અનુસાર કામ કરાવી લેવાનો સમય મળી રહે. અહીં નોંધનીય છે કે, સરકારે GDCRના માપદંડોમાં કોઈ રાહત નથી આપી માટે તેમાં બાંધછોડ નહીં ચાલે.

જણાવી દઈએ કે, ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ રાજય સરકારે આ નિર્ણય કર્યો છે. ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવા અને તેના માટે ચોક્કસ નીતિનો અમલ કરવાનો આદેશ હાઈકોર્ટે સરકારને આપ્યો હતો. ત્યારબાદ રાજય સરકારના શહેરી વિકાસ વિભાગ તરફથી આ પરિપત્ર કરવામાં આવ્યો છે.

હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી બાદ રાજયમાં અમદાવાદ સહિતના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાના વિસ્તારોમાં બીયુ પરમિશન ના ધરાવતા બિલ્ડિંગો સીલ કરવામાં આવ્યા છે. બિલ્ડિંગ યુઝ પરમિશન ના ધરાવતા એકમો સામે કાર્યવાહીના આદેશ બાદ અમદાવાદ શહેરમાં એસ્ટેટ વિભાગે સાત ઝોનમાં ૧૮૦૦થી વધુ એકમોને સીલ કર્યા હતા. જેમાં ૧૧૪ કોમર્શિયલ કોમ્પ્લેકસ અને ૧૪ જેટલી સ્કૂલોનો સમાવેશ થતો હતો. જયારે ફાયર NOC મામલે ૩૬૦૦ જેટલા બિલ્ડિંગોને નોટિસ અપાઈ હતી. બિલ્ડિંગો સીલ કર્યાના બે મહિના જેટલા સમયથી અનેક લોકો ધંધા-રોજગાર વિનાના થયા છે. દરમિયાન રાજયના શહેરી વિકાસ વિભાગ દ્વારા ૮ જુલાઈના રોજ મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં કોરોના મહામારીના સમયમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે રેસિડેન્શિયલ, કોમર્શિયલસ ઈન્સ્ટીટ્યૂટ અને ઈન્ડસ્ટ્રીયલ પ્રોજેકટો પર અસર પડી હોવાનો ઉલ્લેખ છે.

હાલ રાજયમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવાની તૈયારી ચાલી રહી છે. આ પરિસ્થિતિમાં બિલ્ડિંગો પાસે બીયુ પરમિશન નથી અથવા માર્જીનમાં કે પ્લાન મુજબનું બાંધકામ ન કરેલું હોય આ પ્રકારના અન્ય કિસ્સાઓમાં કાર્યવાહી કરવાથી જનજીવન ઉપર તેની અસર પડવાની સંભાવના વ્યકત કરીને જયાં સુધી પરિસ્થિતિ થાળે ના પડે ત્યાં સુધી કોઈ શિક્ષાત્મક કાર્યવાહી ન કરવાનો નિર્ણય લેવાયો છે. રાજય સરકારના આ નિર્ણયથી છેલ્લા બે મહિનાથી બીયુ પરમિશન વગરના સીલ કરાયેલા બિલ્ડિંગને ખોલવાનો માર્ગ મોકળો થયો છે.

(10:27 am IST)