Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

હવે દર 15 મિનિટે ભરૂચ જિલ્લાના હવામાનના મળશે ડેટ મક્તમપુરમાં ઓટોમેટીક વેધર સ્ટેશન ઉભું કરાયું

ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ- IMD દ્વારા સંચાલિત ગ્રામીણ કૃષિ મૌસમ સેવા યોજના અંતર્ગત વેધર સ્ટેશન તૈયાર કરાયું

ભરૂચ :ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ- IMD દ્વારા સંચાલિત ગ્રામીણ કૃષિ મૌસમ સેવા યોજના અંતર્ગત ભરૂચમાં કૃષિ મહાવિદ્યાલય મક્તમપુર ખાતે ઓટોમેટીક વેધર સ્ટેશન ઉભું કરવામાં આવ્યું છે. હવે દર 15 મિનિટે ભરૂચ જિલ્લાના હવામાનના એક્યુરેટ ડેટા ઉપલબ્ધ થશે.

ભરૂચ મકતમપુર કૃષિ યુનિવર્સીટી ખાતે જિલ્લાના હવામાન ઉપર છેલ્લા 50 વર્ષ કરતા પણ વધુ સમયથી નજર રાખવામાં આવી રહી છે. હવામાનની સ્થિતિ અને અનુમાનો અત્યારસુધી મેન્યુઅલ સાધનો દ્વારા જાણવામાં આવતી હતી. જેને સેટેલાઇટ સાથે જોડી અહીં પ્રથમ ઓટોમેટિક વેધર સ્ટેશન તૈયાર કરાયું છે.

કોલેજના ડીન અને પ્રિન્સિપાલ ડો . કે. જી. પટેલ એ જણાવ્યું છે કે કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે ઓટોમેટીક વેધર સ્ટેશન લગાડવામાં આવ્યું છે જે દર 15 મિનિટે અલગ અલગ હવામાન પરિબળોના આંકડા પ્રદાન કરશે. ઓટોમેટીક વેધર સ્ટેશનનો ઉપયોગ સંશોધન કાર્યો તેમજ ખેડૂતોને હવામાન આધારિત કૃષિ સલાહ માટે ઉપયોગી થશે તેમજ ખેડૂતોને તેનાથી લાભ પણ થશે.

કૃષિ મહાવિદ્યાલયના હવામાન શાસ્ત્રી ડોક્ટર નીરજ કુમારએ કહ્યું છે કે ઓટોમેટીક વેધર સ્ટેશન દર 15 મિનિટે હવામાનના અલગ અલગ પરિબળો મુખ્યત્વે વરસાદની માત્રા , હવાની ગતિ અને દિશા , તાપમાન , હવામાં ભેજનું પ્રમાણ અને હવાનું દબાણની માહિતી આપશે. વેધર સ્ટેશન દ્વારા મળેલા આ આધાર ઉપર IMD દ્વારા કોઈ પણ ક્ષેત્રનું હવામાન પૂર્વાનુમાન જાણી શકાય છે.

યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાના ખેડૂતોને દર મંગળવાર અને શુક્રવારે આગામી 5 દિવસોમાં હવામાન કેવું રહેશે તેના દ્વારા હવામાન આધારિત સલાહ કૃષિ સલાહ બુલેટિન વોટ્સએપ ના માધ્યમથી ખેડૂતોને પ્રદાન કરવામાં આવે છે. હવામાનને લગતી કૃષિલક્ષી માહિતી મોબાઇલ પર મેળવવા માટે 9712260925 મોબાઈલ નંબર ઉપર ખેડૂતે પોતાનું નામ , પિતાનું નામ , ગામ , તાલુકા અને જિલ્લાનું નામ , પાકનું નામ વગેરે માહિતી વોટ્સએપ કરવાનું રહેશે.

(11:17 am IST)