Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

સહકારી ક્ષેત્રે તોળાતા ધરખમ ફેરફારો : નવુ મંત્રાલય બેંક - ડેરી વ્‍યવસાયને નવી ઉંચાઇએ લઇ જશે

અમદાવાદ જિલ્લા સહકારી બેંકના સંચાલક મંડળને ગૌરવની લાગણી : અમિતભાઇ શાહના નેતૃત્‍વમાં સહકારથી સમૃધ્‍ધિ સુધીનું સૂત્ર સાકાર થશે

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ તા. ૧૭ : કેન્‍દ્ર સરકારે આઝાદીના ૭૫ વર્ષ પછી સહકાર ક્ષેત્ર માટે અલગ જ વિભાગ-મંત્રાલય કરવાનો નિર્ણય ગ્રામીણ વિસ્‍તારની શિકલ બદલી નાખશે. સૌથી વધુ પ્રભાવ ધરાવતા પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ આ કામગીરી બાહોશ રાજકારણી અને સહકારી ક્ષેત્રના સોળે સોપારા ભણેલા અમિત શાહને તેની બાગડોર સોંપી છે. કાબેલિયત ધરાવતા નેતાને આ જવાબદારી સોંપવા પાછળનો મુખ્‍ય ઉદ્દેશ તો સમગ્ર દેશની સહકારી બેન્‍કો માટે એક જ કાયદો લાવવાનો ઇરાદો છે. અર્બન કોઓપરેટીવ બેન્‍ક માટે પણ એક દેશ એક જ કાયદો લાગુ કરવાનું ધ્‍યેય છે. સહકારી ક્ષેત્રના સાહસિકોને સ્‍ટાર્ટ અપ અને ડિપાર્ટમેન્‍ટ ઓફ કોમર્શની બધી જ સવલતો મળે તેવી વ્‍યવસ્‍થા કરવાની નેમ છે. નવી સહકારી નીતિ તૈયાર કરી તેનો અમલ કરાવવાનું લક્ષ્યાંક છે. તેથી જ અમદાવાદ જિલ્લા સહકારી બેન્‍કનું સંચાલક મંડળ તેમના પૂર્વ ચેરમેન અમિત શાહની નિમણૂકથી ગૌરવાન્‍વિત થયાની લાગણી અનુભવે છે. આ માટે પ્રધાન મંત્રીનો આભાર પણ માને છે. કેન્‍દ્ર સરકારના આ ઐતિહાસિક પગલાંથી અલગ વહીવટી, કાનૂની અને નીતિવિષયક માળખું તૈયાર થશે. તેનાથી સહકારી ચળવળ વધુ મજબૂત બનશે. મલ્‍ટી સ્‍ટેટ કોઓપરેટીવ બેન્‍કનો વિકાસ પણ વેગ પકડશે.

આમ તો વિના સહકાર, નહિ ઉદ્ધારના સૂત્ર સાથે આજથી ૧૧૬ વર્ષ પહેલા ૧૯૦૪ના અરસામાં સહકારી પ્રવૃત્તિનો પ્રારંભ થયો હતો. દૂધની ડેરી, ખાંડ મિલો અને બેન્‍કિંગ તથા માર્કેટિંગના સેક્‍ટરમાં સહકારી ક્ષેત્રએ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિત દેશભરમાં કાઠું કાઢ્‍યું છે. ઇફકો, ક્રિભકો અને અમૂલએ સહકારી ક્ષેત્રની સફળતાના શિખરો છે. સમગ્ર વિશ્વમાં આ સંસ્‍થાઓનો ડંકો વાગે છે.

સહકારના માધ્‍યમથી સમૃદ્ધિના પથ પર પદાર્પણ કરશે. સહકારી પ્રવૃત્તિ ગરીબની સમૃદ્ધિના દ્વાર ખોલે છે. આ હકીકતને મુખ્‍યમંત્રી બન્‍યા તે પૂર્વેથી નરેન્‍દ્ર મોદીએ સ્‍વીકારી છે. મુખ્‍યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં પણે તેમણે ગામડાંની નાનામાં નાની વ્‍યક્‍તિને ઉપયોગી થવા અને ગ્રામીણ પ્રજાનો ઉદ્ધાર કરવા તેમણે સહકારી ક્ષેત્રને પ્રાધાન્‍ય આપ્‍યું જ છે.

સહકાર એ એવું ક્ષેત્ર છે કે જેના થકી ગ્રામીણ વિસ્‍તારના લોકોની સમૃદ્ધિ વધશે અને તેઓ શહેર તરફનું સ્‍થળાંતર ઘટી જશે. ભાજપમાં સહકાર સેલની કરવામાં આવેલી રચના તેનો એક બોલતો પુરાવો છે. કેન્‍દ્રમાં ગયા પછી ૨૦૨૦-૨૧ની સાલના બજેટમા અલગ ‘સહકાર મંત્રાલય' બનાવવાની જાહેરાત કરીને કૃષિ અને ખેડૂત કલ્‍યાણના મંત્રાલયથી તેને અલગ કરી સ્‍વતંત્ર સહકારી વિભાગની સ્‍થાપના કરી. આ સાથે જ બજેટમાં આપેલું વચન પાળ્‍યું અને સહકારથી સમૃદ્ધિની દિશામાં જવાના ધ્‍યેયને સાકાર કરવાની દિશામાં ડગ માંડ્‍યું છે.

હવે સહકારને લગતા અલગ અલગ કાયદાઓમાં જરૂરી સુધારાઓ કરીને તેમને માટે બિઝનેસના નવા વિકલ્‍પો ઊભા કરશે. આ બિઝનેસ સરળતાથી થઈ શકે તેવા પ્રયાસ કરશે. આજે પણ કૃષિપેદાશોના મૂલ્‍યવર્ધન, વેપાર, બેન્‍કિંગ, પશુપાલન, ઔદ્યોગિક અને ટેક્‍નોલોજીના ક્ષેત્ર સુધી સહકારી પ્રવૃત્તિનું ફલક વિસ્‍તરી ચૂક્‍યું છે. આ તમામ પ્રવૃત્તિને વધુ સંગીન ફલક પર લઈ જવામાં આવશે. તેમ જ સહકારી સંસ્‍થાઓની મદદથી આ ક્ષેત્રની પ્રવૃત્તિઓને વધુ સુદ્રઢ કરીને રોજગારીના સર્જનના વિઝન સાથે સહકાર વિભાગની સ્‍થાપના કરવામાં આવી છે.

નવા રચાયેલા ખાતાનો હવાલો સંભાળનાર દૂરંદેશી નેતા અમિત શાહ આર્થિક, રાજકીય અને સામાજિક રીતે સમગ્ર દેશમાં સહકારી ક્ષેત્રને અલગ ઊંચાઈએ બેસાડી દેશે. સહકારથી સમૃદ્ધિ સુધીના સૂત્રને સાકાર કરી બતાવશે. સમુદાય આધારિત વિકાસના નવયુગનો આરંભ કરશે. તેના થકી આત્‍મનિર્ભર ભારતના સપનાંને સાકાર પણ કરશે.

(11:34 am IST)