Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ધો. ૧૨ સાયન્સનું ૧૦૦% પરિણામ : ૩૨૪૫ છાત્રોને A1 ગ્રેડ

શિક્ષણ બોર્ડનું માસ પ્રમોશન સાથે રાજ્યના ૧ લાખ ૭ હજાર નિયમીત છાત્રોનું પરિણામ જાહેર : શાળાએથી માર્કશીટની પ્રિન્ટ અપાશે : ૨૬૮૩૧ છાત્રોએ B1 ગ્રેડ મેળવ્યો

રાજકોટ તા. ૧૭ : કોરોના મહામારીમાં આ વર્ષ પરીક્ષા ન યોજાતા ગુજરાત સરકારે માસ પ્રમોશન આપ્યું છે. આજે ધો. ૧૨ સાયન્સ નિયમીત છાત્રોનું પરિણામ જાહેર થયું. ધો. ૧૨ સાયન્સનું ૧૦૦% પરિણામ જાહેર થયું છે. A1 ગ્રેડમાં ૩૨૪૫ છાત્રોએ મેદાન માર્યુ છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજકોટ જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર સૌથી વધુ છાત્રો છે. રાજકોટ જિલ્લામાં કુલ ૮૨૯ છાત્રોને A1 ગ્રેડ મળ્યો છે.

રાજયમાં કોરોના મહામારીમાં ધો. ૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ૧૦૦ ટકા પરિણામ જાહેર થયું છે. કોરોનાના કારણે ધો. ૧૨ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ પરીણામ જાહેર થતાં માર્કશીટમાં કયાંય માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વિદ્યાર્થીઓને પરંપરાગત માર્કશિટ જ પ્રાપ્ત થશે. અત્યારે માત્ર શાળાઓ જ પરિણામ જોઈ શકશે. શાળાઓ જ વિદ્યાર્થીઓને પરિણામ જણાવશે.

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરેલા પરિણામમાં ૩૨૪૫ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જયારે ૧૫ હજાર ૨૮૪ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રૂપમાં ૪૬૬ વિદ્યાર્થીઓએ ૯૯ ટકાથી વધુ માકર્સ મેળવ્યા છે. જયારે B ગ્રૂપમાં ૬૫૭ વિદ્યાર્થીઓએ ૯૯ ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં ૧૦૯ વિદ્યાર્થીઓ અને અમદાવાદ ગ્રામ્યમાં ૭૩ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. સૌથી વધુ ૨૬૮૩૧ વિદ્યાર્થીઓએ ગ્૨ ગ્રેડ મેળવ્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારે સવારે ૮ વાગે ધોરણ.૧૨ સાયન્સના ૧.૦૭ લાખ જેટલા નિયમિત વિદ્યાર્થીઓનું ઓનલાઈન પરિણામ જાહેર કરાયું છે. શાળાઓ દ્વારા થયેલ મુલ્યાંકનના આધારે તૈયાર કરાયેલા પરિણામ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ અત્યારે ઓનલાઈન પરિણામની પ્રિન્ટ મેળવી શકશે, બોર્ડની માર્કશીટ થોડા દિવસ બાદ મળશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્ત્।ર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના જાહેર કરેલ નીતિ મુજબના ગુણ બોર્ડની વેબસાઈટ પર અપલોડ કર્યાં હતા. જેના આધારે બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે. નિયમિત વિદ્યાર્થીઓનું આજે પરિણામ સવારે ૮ વાગે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું હતું. શાળાઓ તેઓની શાળાનું પરિણામ શાળાના ઈન્ડેક્ષ નંબર અને પાસવર્ડ મારફતે લોગીન કરી ડાઉનલોડ કરી શકશે. જેના આધારે શાળાએ વિદ્યાર્થીઓને ગુણપત્રકની નકલ આપવાની રહેશે અને તેના પરિણામની જાણ કરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, ધો.૧૨ સાયન્સમાં કુલ ૧,૪૦,૩૬૩ વિદ્યાર્થી નોંધાયા છે, જેમાં ૧,૦૭,૭૧૧ વિદ્યાર્થી નિયમિત છે.

(11:48 am IST)