Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

મહેસાણા જિલ્લામાં રૂપિયા 35 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ખેરાલુ માર્કેટ યાર્ડનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ઉદ્દઘાટન : સરદાર પટેલની પ્રતિમાનું પણ અનાવરણ

રાજકોટ તા૧૭ : આજે મહેસાણા જિલ્લામાં રૂપિયા 35 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ખેરાલુ માર્કેટ યાર્ડનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

ઉપરાંત તેમણે સરદાર પટેલની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. ખેરાલુ  APMCના ચેરમેન તથા ડિરેકટરે નાયબ મુખ્યમંત્રીનું સન્માન પણ કર્યું હતું.

ખેરાલુ તાલુકામાં મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હોવા છતાં અહીં કોઈ માર્કેટયાર્ડની સુવિધા ન હતી. તાલુકાના ખેડૂતોને પોતાની જણસ અન્ય માર્કેટયાર્ડમાં વેચવા જવાની મુશ્કેલી પડતી હતી. આજે આ માર્કેટ યાર્ડ શરૂ થતાં ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.  માર્કેટ યાર્ડ માટે પોતાની બે કરોડની જમીનનું દાન કરનાર APMCના ચેરમેન ભીખાલાલ ચાચરિયાએ જણાવ્યું હતું કે, આ માર્કેટ યાર્ડમાં 50% શેષ રાખવામાં આવ્યો છે તથા વેપારીઓના કમિશનમાં પણ ઘટાડો કરાયો છે. 

આ પ્રસંગે સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, 35 કરોડના ખર્ચે નિર્મિત ખેરાલુ માર્કેટને સરકાર તરફથી 5 કરોડની સહાય આપવામાં આવી છે. દૂધના પાવડરમાં સબસિડી મામલે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દૂધ ઉત્પાદકોના હિતમાં સરકારે પાવડર નિકાસમાં સબસિડીની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા દૂધ પાઉડરના નિકાસ પર કિલોએ રૂપિયા 50 સબસીડી ચુકવવાની જાહેરાત કરી છે.

(4:54 pm IST)