Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ખેડા જિલ્લામાં સર્જાયેલ અલગ અલગ જગ્યાએ બે અકસ્માતમાં સાત શખ્સો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ખેડા: જિલ્લામાં આજે ઢળતી સાંજે બે અલગ અલગ જગ્યાઓ પર અકસ્માતો સર્જાયા હતા. ગળતેશ્વરના થર્મલ ચોકડી નજીક ત્રિપલ અકસ્માત અને કપડવંજ તાલુકાના જલોયા પાટીયા નજીક બે મોટરસાઈકલ વચ્ચે અકસ્માત થયો હતો. બંને અકસ્માતોના બનાવોમાં કુલ સાત વ્યક્તિઓને ઇજાઓ પહોચી હતી.

આજે ઢળતી બપોરે થર્મલ ચોકડી નજીક એક આઇશરના ચાલકે એક મોટર સાયકલ ચાલકને અડફેટ મારી હતી. વળી આઇશરની બ્રેક ફેઇલ થઇ જતા આગળ મૂસાફર ઉતારવા માટે ઉભેલ એસ.ટી બસને પણ ટક્કર વાગી હતી. આ બનાવમાં એસ.ટી બસમાં સવાર બે વ્યક્તિઓને શરીરે નાની મોટી ઇજાઓ પહોચી હતી. વળી મોટર સાયકલના ચાલક રાકેશ પરષોતમભાઇ ખારવા ઉં.૩૫ જી.ઇ.બી કોલોની થર્મલને અને આઇશરના ચાલકને પણ ઇજાઓ પહોચી હતી. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે આ અંગેની પ્રક્રિયા હાથ ધરી હોવાનુ પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે.

કપડવંજ તાલુકાના જલોયા પાટીયા પાસે આજે અકસ્માત સર્જાયો હતો. જેમાં નંદગામના આંબાવડિયુમાં રહેતા કનુભાઇ સોઢા,મહેશભાઇ,લલ્લુભાઇ સોલંકી મોટર સાયકલ લઇને કરકરીયા જવા માટે નિકળ્યા હતા. તેસ સમયે જલોયા પાટીયા પાસેથી પસાર થઇ રહ્યા હતા તે સમયે એક અન્ય મોટર સાયકલના ચાલકે પોતાનુ મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી કનુભાઇના મોટર સાયકલને અડફેટ મારી હતી.જેથી ત્રણેય વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોચી હતી. આ બનાવ અંગે કનુભાઇ મંગળભાઇ સોઢાએ આંતરસુબા પોલીસ મથકે એક અજાણ્યા મોટર સાયકલના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે આંતરસુબા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:30 pm IST)