Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ગળતેશ્વરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની હાલત બિસ્માર બની:લોકોને સાત કિલોમીટર દૂર જવાની નોબત આવી

ખેડા:જિલ્લાના ગળતેશ્વરની અંગાડી ગ્રામ પંચાયતનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુવિધાઓથી વંચિત બન્યું છે. હાલમાં આ કેન્દ્ર માત્ર શોભાનું ગાંઠીયું બની ગયું છે અને ગ્રામજનોએ આરોગ્ય સેવા માટે ૭ કિલોમીટર દૂર સેવાલિયા દોડી જવું પડે છે.

મળતી વિગતો અનુસાર ગળતેશ્વરના અંગાડી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની હાલત બિસ્માર બની છે. ખાતમહુર્ત થઈ ગયા પછી આ કેન્દ્રમાં આગળ કોઈ કામગીરી કરવામાં આવી ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. અંગાડી ગ્રામ પંચાયતમાં ૧૮૦૦૦ જેટલા લોકો વસે છે, જેઓ હાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધાથી વંચિત છે. હાલ ગામમાં આરોગ્ય સેવા માટે માત્ર એક નાની રૂમ છે જેમાં દર્દીની સામાન્ય સારવાર કરવામાં આવે છે. અહીં ડિલિવરી કેસ આવે તો તાત્કાલિક સેવાલિયા મોકલી આપવા પડે છે. બીજા ઈમરજન્સી કેસોમાં પણ લોકોએ સાત કિલોમીટર દૂર સેવાલિયા દોડવું પડે છે.

અંગાડીના સરપંચ  મિનેશ પટેલે જણાવ્યા પ્રમાણે અંગાડી માટે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાંથી એમ્બ્યુલન્સ ૨૦૧૮માં મંજૂર થઈ ગઈ હોવા છતાં આજદિન સુધી ફાળવવામાં આવી નથી. હાલની સ્થિતિને લીધે ગ્રામજનોએ આરોગ્ય સેવાઓમાટે ખૂબ મુશ્કેલી વેઠવી પડે છે.

(5:32 pm IST)