Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

અમદાવાદના જીટીયુના વિદ્યાર્થી મંદાર વાઘમારેનું સંશોધનઃ સાયબર એટેકથી બચાવતા ન્‍યુટન સેમ્‍પલ થ્રેટ એનલાઇઝર સિક્‍યોર હોમ આસિસ્‍ટન્‍ટ ડિવાઇસ તૈયાર કર્યું

અમદાવાદ: કોરોનાના મહામારીમાં વર્ક ફ્રોમ હોમ કામનો મહત્વપૂર્ણ વિકલ્પ બન્યો છે. તેમજ બાળકોએ સ્કૂલનો અભ્યાસ ઓનલાઈન કરવો પડી રહ્યો છે. એવામાં કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ સાથે ઈન્ટરનેટ કનેક્ટિવિટી સતત હોવાથી સાયબર સિક્યોરિટીનો ખતરો હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે. આ સમય દરમિયાન અનેક સાયબર ગુનાઓ નોંધાયા પણ ખરા. પરંતુ સાયબર ગુના ઓને અટકાવી શકાય ફ્રોડ વેબસાઇટની ઓળખ થાય અને તે તમારા કમ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલમાં ખુલે જ નહીં તેવું ડીવાઇઝ એક વિદ્યાર્થી દ્વારા તૈયાર કરાયું છે.

GTU ના વિદ્યાર્થી મંદાર વાઘમારેએ 'નતાશા' એટલે કે ન્યુટન સેમ્પલ થ્રેટ એનલાઇઝર સિક્યોર હોમ આસિસ્ટન્સ ડિવાઇસ તૈયાર કર્યું છે. આ ડિવાઇઝ એન્ટીવાયરસ અને ફાયર વોલનું કામ કરે છે. નતાશા નામના આ ડીવાઇઝમાં એક સાથે 18 જેટલા કમ્પ્યુટર, લેપટોપ અને મોબાઈલ કનેક્ટ કરી શકાય છે. જેમાં ફ્રોડ વેબસાઈટથી સુરક્ષા મળે છે.

આ ડિવાઇસમાં અત્યારે 65,000 જેટલી સાઈટની લિંકનો ડેટાબેઝ એકત્ર કરાયો છે. આ ડેટાબેઝ સિવાયની પણ જો કોઈ વેબસાઈટ સુરક્ષિત ના હોય તો તેને પણ બ્લોક કરીને સાયબર ફ્રોડથી યુઝર્સને સુરક્ષા પૂરું પાડે છે. આ ડીવાઇઝ વિદ્યાર્થીએ બે વર્ષની મહેનત દ્વારા તૈયાર કર્યુ છે અને તે પણ ખૂબ જ વ્યાજબી કિંમતે લોકોને મળે એ રીતે તૈયારીઓ પણ કરાઈ રહી છે. યુવાન દ્વારા તૈયાર કરાયેલુ આ ડિવાઇસ ઘર અને ઓફિસ માટે ફાયદેમંદ સાબિત થશે અને ભવિષ્યમાં સાયબર ગુનાઓ ઘટાડવામાં મદદરૂપ બનશે.

(5:43 pm IST)