Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ગુજરાત પોલીસને કામ કરવા માટે સુવિધાપૂર્ણ મકાન અને રહેવા માટે સુવિધાયુક્‍ત ઘર મળે તેવો રાજ્‍ય સરકારનો અભિગમ છે- ગૃહરાજ્‍યમંત્રી પ્રદીપસિંહ જાડેજા

લીલાપોર ખાતે રૂ.૧૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા વલસાડ રૂરલ પોલીસ સ્‍ટેશનનું મકાન અને પોલીસ આવાસોનું ખાતમુહૂર્ત ગૃહ રાજ્‍યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્‍તે કરાયું

(કાર્તિક બાવીશી દ્વારા)વલસાડ તાલુકાના લીલાપોર ખાતે રૂ.૧૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા રૂરલ પોલીસ સ્‍ટેશનનું મકાન અને પોલીસ આવાસોનું ખાતમુહૂર્ત રાજયકક્ષાના ગૃહ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાના વરદ હસ્‍તે કરાયું હતું.
આ અવસરે ગૃહરાજ્‍યમંત્રીએ જણાવ્‍યું હતું કે, ગુજરાત પોલીસને કામ કરવા માટે સુવિધાપૂર્ણ મકાન અને રહેવા માટે સુવિધાયુક્‍ત ઘર મળે તેવો રાજ્‍ય સરકારનો અભિગમ છે. જેના ભાગ સ્‍વરૂપે ગત બજેટમાં ૬૨૯ કરોડના ખર્ચનું આયોજન કરાયું છે. વલસાડનું રૂરલ પોલીસ સ્‍ટેશન શહેરમાં હતું, તે હવે શહેરની બહાર બનાવવામાં આવતાં ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી આવતા-જતા લોકોને નડતી સમસ્‍યાનું નિવારણ થવા ઉપરાંત પોલીસ આવાસોના નિર્માણના કારણે પોલીસકર્મીઓને પોલીસ સ્‍ટેશનની બાજુમાં જ રહેવા માટેની સુવિધા ઉપલબ્‍ધ બનશે. આ પોલીસ સ્‍ટેશનના મકાન માટે રૂ.૨.૬૬ કરોડ, કક્ષા બી-૪૦ આવાસો અને સી-૨ કક્ષાના આવાસ માટે રૂ.૭.૨૯ કરોડનો ખર્ચ થનાર છે, તેમ તેમણે આ તબક્કે જણાવ્‍યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, સમગ્ર રાજ્‍યમાં પોલીસ સ્‍માર્ટ અને શાર્પ બને તે માટે ટેકનોલોજીના ઉપયોગના માધ્‍યમથી પોલીસ તંત્રના નવા અનેક પ્રયાસો મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યા છે. વલસાડ જિલ્લાનું વર્ચ્‍યુઅલી સાયબર પોલીસ સ્‍ટેશન શરૂ કરવામાં આવ્‍યું છે, જેના થકી અનેક પ્રકારના સાઇબર ક્રાઇમ અને ફ્રોડ કરીને પૈસા જતા રહે છે તે પાછા લાવવામાં સફળતા મળી છે. આગામી દિસોમાં ટેકનોલોજીકલ અપડેશન માટે અનેક નવી વસ્‍તુઓ પોલીસતંત્રને ઉપલબ્‍ધ કરાવશે.
 આ અવસરે વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી રમણલાલ પાટકર, સાંસદ ડો.કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, વલસાડ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલ, પારડી ધારાસભ્‍ય કનુભાઇ દેસાઈ,  ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ, કપરાડા ધારાસભ્‍ય જીતુભાઇ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, વલસાડ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઇ કંસારા સહિત વલસાડ રૂરલ પોલીસ સ્‍ટાફ વગેરે હાજર રહયા હતા.

(8:13 pm IST)