Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

જ્વેલર્સને ત્યાં ચોરી કરતા પરિવારના ચાર સભ્યો જબ્બે

શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચોરી કરતી ગેંગ : ચોરી કરતી ગેંગના બે ફરાર આરોપીની તપાસ જારી, નજર ચુકવીને ગેંગ ચોરીને અંજામ આપતી હતી

અમદાવાદ, તા.૧૭ : અમદાવાદનાં અલગ અલગ વિસ્તારોમાં સોનાં- ચાંદીની દુકાનમાં ગ્રાહકનાં સ્વાંગમાં પ્રવેશી વેપારીની નજર ચુકવી ચોરી કરતા પરિવારની નારોલ પોલીસે ધરપકડ કરી છે. આ મામલે ૩ મહિલા સહિત ૪ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે ફરાર બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. શહેરમાં ચોરીની અત્યાર સુધી અનેક ધટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચુકી છે.

જેમાં કોઈ એક ગેંગ અથવા તો અલગ અલગ ગેંગના સભ્યો સામેલ હોય. પરંતુ નારોલ પોલીસે ચોરી કરતા એક આખા પરિવારની જ ધરપકડ કરી છે. નારોલમાં થોડા દિવસો પહેલા જ જ્વેલર્સની દુકાનમાં ૧.૫૪ લાખના દાગીનાની ચોરીની ધટના સામે આવી હતી. જે અંગે પોલીસે  ધટનાના સીસીટીવી (સીસીટીવી) આધારે તપાસ કરતા બાતમીનાં આધારે કાજલ ઠાકોર તેમજ દંતાણી નામની બે મહિલાઓની ધરપકડ કરી હતી.

બન્ને મહિલાઓની પોલીસે પૂછપરછ કરતાં તેઓ રંગોલી નગરના રહેવાસી હોવાનું ખુલ્યું હતું. આરોપી મહિલા પાસેથી પોલીસે ૧.૫૩ લાખની કિંમતનાં અલગ અલગ સોનાના દાગીનાઓ કબ્જે કર્યા હતા. જે બાબતે પુછપરછમાં સામે આવ્યુ કે આરોપીઓએ ભેગા મળીને સાત દિવસ પહેલા નારોલમાં મોની હોટલના ખાંચામાં આવેલ એક સોનીની દુકાન તેમ જ નારોલ નંદન રેસીડેન્સી પાસે આવેલી સોનાની દુકાન એમ બે દુકાનોમાંથી સોનાના દાગીનાની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.

આ સમગ્ર મામલે બંને મહિલાઓ સાથે સામેલ અન્ય બે ઈસમોની પણ પોલીસે ધરપકડ કરી છે. જેમાં ધર્મેશ દંતાણી તેમજ શીતલ દંતાણી ઝડપાયા હતા. મહત્વનુ છે કે આ ગેંગનાં સભ્યો ભેગા મળીને અલગ અલગ વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ખરીદી માટે પ્રવેશતા હતા અન ગેંગનાં બે સભ્યો વેપારીને અલગ અલગ દાગીનાં બતાવવાનુ કહીને નજર ચૂકવી ચોરીને અંજામ આપતા હતા. ત્યારે આ ગુનામાં ફરાર પ્રવીણ દંતાણી અને ભારતી દતાણીને શોધવા માટે પણ નારોલ પોલીસે તપાસ હાથ ધરી છે.

(8:51 pm IST)