Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

યુવતીને સબંધ રાખવા દબાણ કરતા યુવકની સામે ફરિયાદ

અમદાવાદના સાબરમતી વિસ્તારની ચકચારી ઘટના : યુવક યુવતીને સોશિયલ મીડિયા ઉપર હેરાન કરવા ઉપરાંત તેનો પીછો કરી સંબંધ રાખવા દબાણ કરતો હતો

અમદાવાદ, તા.૧૭ : શહેરના સાબરમતી વિસ્તારમાં સગાઈ તૂટ્યા બાદ પણ યુવતીને સંબંધ રાખવા દબાણ કરતા યુવક સામે પોલીસ ફરિયાદ થઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે યુવતીએ સગાઈ કરેલા યુવક સાથે મનમેળ ન રહેતા સગાઈ તોડી નાખી હતી. જોકે, ત્યાર પછી પણ યુવક યુવતીને સોશિયલ મીડિયા ઉપર હેરાન કરવા ઉપરાંત તેનો પીછો કરી સંબંધ રાખવા દબાણ કરતો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલો મુજબ યુવતીની પાછળ પડી ગયેલા યુવકે યુવતીના ઘરમાં ઘૂસી ધમકી આપવા ઉપરાંત ખરીદી માટે ગયેલી યુવતીનો હાથ પકડી જબરજસ્તી કરતા યુવતીએ બંને બનાવ અંગે સાબરમતી તથા ચાંદખેડા પોલીસ મથકમાં જુદી-જુદી બે ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, યુવકે અગાઉ પણ ગુપ્તી બતાવી ધમકી આપતાં યુવતીએ થોડા દિવસો અગાઉ સાબરમતી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ૨૪ વર્ષીય યુવતી સાબરમતીમાં પરિવાર સાથે રહે છે. વર્ષ ૨૦૧૯માં તેમની સગાઈ સરસપુરમાં રહેતા હર્ષદીપ સાથે થઈ હતી, પરંતુ બંને વચ્ચે મનમેળ ન થતાં ૨૦૨૦માં તેમની સગાઈ તૂટી ગઈ હતી. તેમ છતાંય હર્ષદીપ અવારનવાર યુવતીને મેસેજ કરી સગાઈ ના તોડવા તથા લગ્ન કરવા દબાણ કરતો હતો.

આ અંગે યુવતીએ ૨ જુલાઈના રોજ સાબરમતી પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારબાદ મંગળવારના રોજ રાત્રે હર્ષદીપ યુવતીના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને તમે મારા વિરુદ્ધ ફરિયાદ લખાવી મારું શું ઉખાડી લીધું, જેટલી ફરિયાદ નોંધાવી હોય નોંધાવી દે, હું તને છોડીશ નહીં તેમ ધમકી આપી હતી. યુવતીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી મદદ માગતા યુવક ત્યાંથી નાસી છૂટ્યો હતો.

ત્યારબાદ ગુરુવારે સાંજે યુવતી ગાંધીનગરમાં મોલની પાછળ શોપિંગ કરી રહી હતી, તે દરમિયાન હર્ષદીપ ત્યાં પણ પહોંચી ગયો હતો અને યુવતીનો હાથ પકડી જબરજસ્તી કરવા લાગ્યો હતો. યુવતીએ વિરોધ કરતા હર્ષદીપે સંબંધ નહીં રાખે તો તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી યુવતીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરી ચાંદખેડા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટના અંગે પોલીસ હર્ષદીપ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(8:52 pm IST)