Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ટ્રસ્ટની મિલકતની ખરીદી કરવાની ઓફરમાં અર્નેસ્ટ મનીની રકમમાં ૧૦૦ ટકાનો વધારો

વર્ષ ૨૧૦૭માં મિલકતની ઓફરના ૨૫ ટકા અર્નેસ્ટ મની મગાવવામાં આવતી હતીઃ જે વધારીને સીધી ૫૦ ટકા કરવામાં આવી છે

અમદાવાદ, તા.૧૭: ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ની કલમ-૩૬ની જોગવાઈઓ મુજબ ચેરિટી કમિશનર વાય.એમ.શુકલએ ટ્રસ્ટની સ્થાવર મિલકત વેચાણ કરવા સંબધે મગાવવામાં આવતી ઓફરમાં અર્નેસ્ટ મની રકમમાં ૧૦૦ ટકાનો વધારો કર્યો છે. વર્ષ ૨૧૦૭માં મિલકતની ઓફરના ૨૫ ટકા અર્નેસ્ટ મની મગાવવામાં આવતી હતી. જે વધારીને સીધી ૫૦ ટકા કરવામાં આવી છે. ચેરિટી કમિશનર વાય.એમ.શુકલે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતને ટ્રસ્ટની સ્થાવર મિલકત વેચાણ કરવા સબંધે પરવાનગી આપવાની સત્તાઓ પ્રાપ્ત થઈ છે. ટ્રસ્ટની મિલકત વેચાણ કરવા માટે અરજી થાય પછી જાહેર નોેટિસ પ્રસિદ્ઘ કરાવી મિલકત ખરીદનારા પાસેથી ઓફરો મગાવવામાં આવે છે.જે ઓફરમાં અર્નેસ્ટ મની પહેલાં ૨૫ ટકા ડ્રાફ્ટથી લેવામાં આવતા હતા.જે હવેથી મિલકત ખરીદનારે પચ્ચાસ ટકા આપવાના થશે. શુકલે બહાર પાડેલા પરિપત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, જાહેરાત પ્રસિદ્ઘ થયા બાદ કેટલાક સંજોગોમાં મિલકતની અપસેટ કિંમત ઓછી હોય ત્યારે મોટી સંખ્યામાં મિલકત ખરીદવા માટેની ઓફર મળતી હોય છે અને ઓફર ખોલ્યા બાદની કાર્યવાહીમાં તમામ ઓફરો ભાગ લેતા હોતા નથી. મિલકતની અપસેટ કિંમતમાં ૫૦ ટકા અર્નેસ્ટ મનીનો ઉલ્લેખ કરવામાં આવે તો બિડની કાર્યવાહી ટ્રસ્ટને વધુ રકમ મળી શકશે.

કોરોનાની મહામારીમાં પણ ગુજરાતની જુદી જુદી ચેરિટી કમિશનરની કચેરીમાં ચાર માસ દરમિયાન ૫,૧૪૮ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું ચેરિટી કમિશનર વાય.એમ.શુકલે જણાવ્યું છે. એક સમયે અમદાવાદ ચેરિટી કમિશનરની ઓફિસમાં જ ૧૨થી ૧૩ હજાર ચેજ રિપોર્ટ પડતર હતા અત્યારે આખા ગુજરાતની ચેરિટી કમિશનરની ઓફિસોમાં ૧૩ હજાર કેસો છે. ચેરિટી કમિશનરની કચેરીઓ કોરોનાની મહામારીમાં ચાલુ રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને કામકાજ રાબેતા મુજબ કરવામાં આવ્યું હતું.

(10:02 am IST)