Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

પોલીસ સ્ટેશનમાં સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી નહી કરનાર થાણા અમલદાર સાણસામાં આવશે

સુરત રેન્જના તમામ પોલીસ મથકમાં સ્ટેશન ડાયરીની ઇન્ક્વાયરી માટે આઇજી રાજકુમાર પાન્ડિયનના આદેશ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : સુરત રેન્જના તાબાના પોલીસ મથકોના જે ઇન્ચાર્જ અધિકારીઓ સ્ટેશન ડાયરી મેન્ટેન કરતા નથી એવા અધિકારીઓની હવે ખેર નથી. સુરત રેન્જ આઇજી રાજકુમાર પાન્ડિયન દ્વારા સુરત રેન્જના તમામ પોલીસ મથકની સ્ટેશન ડાયરીની ઇન્કવાઇરીના આદેશ અપાયા છે. તેમજ ગુજરાતમાં આવતા દારૂને અટકાવવા માટે પણ ચેક પોસ્ટ પર નાકાબંધી અને સતત ચેકિંગના આદેશ આપ્યા છે. જેના પગલે સમગ્ર પોલીસ બેડામાં ફફડાટ ફેલાઇ ગયો છે.
 પોલીસ સ્ટેશન અધિકારી પીઆઇ કે પીએસઆઇ દ્વારા કોઇ પણ મોટી ઘટના બને ત્યારે સ્ટેશન ડાયરીમાં જાતે નોંધ કરવાની થતી હોય છે. પોલીસ અધિકારી જ્યારે પણ તપાસના કામે બહાર જાય ત્યારે પણ તેમણે જાતે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરવાની હોય છે. આ સિવાય ગ્રામ્ય પંથકની વિઝીટની પણ એન્ટ્રી તેમણે કરવાની હોય છે. અધિકારીઓ આવી એન્ટ્રી કરતા નથી અથવા પીએસઓ પાસે કરાવે છે. તેમજ કેટલાક અધિકારીઓ રોજ રોલકોલ પણ લેતા નથી. આવા અધિકારીઓ ખેર નથી. પોલીસ ખાતાને સુવ્યવસ્થિત બનાવવાના આશયથી શિશ્ત પ્રેમી રેન્જ આઇજી દ્વારા પોલીસ અધિકારીઓને શિસ્તબદ્ધ કરવા સ્ટેશન ડાયરીના ચેકિંગના આદેશ કર્યા છે.
 તેમણે અકિલા સાથે વિશેષ વાતચિતમાં જણાવ્યું કે, ગુજરાતને અડીને આવેલી સંઘપ્રદેશની ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી રોકવા તેઓ ચિંતિત છે અને તેના ખાસ ચેકિંગ માટે તમામ જિલ્લા પોલીસ વડાઓને આદેશ આપ્યો છે. ખાસ કરીને વલસાડ જિલ્લામાં દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રની બોર્ડર લાગતી હોય, અહિં વિશેષ ધ્યાન આપવા તેમણે સૂચના આપી છે. જેને લઇ હવે બૂટલેગરોની પણ ખેર નથી. ગુજરાતમાં બેફામ રીતે દારૂ ઘૂસાડતા બૂટલેગરોને તાબે કરવા રેન્જ આઇજી રાજકુમાર પાન્ડિયને હુંકાર ભર્યો છે.

(12:36 pm IST)