Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

વડોદરામાં મનપાએ AAPનું પોસ્ટર ઉતાર્યું : કાર્યકર્તાએ મુખ્યમંત્રીનું પોસ્ટર ઉખેડી નાખ્યું

ગોરવા વિસ્તારમાં દશા માતાના મંદિર પાસે આપ ના ગણેશ મહોત્સવનું પોસ્ટર ઉતારી લેવાતા વિવાદ

વડોદરા મહાનગરપાલિકા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા છે. વડોદરામાં AAP અને પાલિકા વચ્ચે પોસ્ટરને લઇને વિવાદ શરૂ થયો છે. વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આમ આદમી પાર્ટીના પોસ્ટરો ઉતારી લેવામાં આવતા હોવાના કારણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ કોર્પોરેશન સામે બદલી લઇ રહ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને શુભકામના આપતું પોસ્ટર ઉતારીની મહાનગરપાલિકાની કચેરીની સામે મૂકી દીધું હતું.

વડોદરાના ગોરવા વિસ્તારમાં દશા માતાના મંદિર પાસે ગણેશ મહોત્સવનું પોસ્ટર આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવ્યું હતું. આ પોસ્ટરને બુધવારના રોજ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ઉતારી લેવામાં આવ્યું હતું. આ વાતની જાણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને થતા તેઓ રોષે ભરાયા હતા. ત્યારબાદ રોષે ભરાયેલા કાર્યકર્તાઓએ વડોદરાના ખંડેરાવ માર્કેટ પાસે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને શુભકામના આપતું પોસ્ટર હટાવી લીધું હતું. ત્યારબાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આ પોસ્ટરને કોર્પોરેશનના ગેટની સામે મૂકી દીધું હતું.

આ બાબતે આમ આદમી પાર્ટીના અગ્રણી વીરેન્દ્ર રામીએ જણાવ્યુ હતું કે, આમ આદમી પાર્ટીના પોસ્ટરો ભાજપના ઇશારે ઉતારી લેવામાં આવે છે. જો વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આ પ્રકારની જ કામગીરી કરવામાં આવશે તો આમ આદમી પાર્ટીના આગેવાનો આંદોલન કરતા પણ ખચકાશે નહીં.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ગણેશ મહોત્સવના પોસ્ટર લગાવવા માટે પાલિકાની મંજૂરી લીધી નહોતી. એટલા માટે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ પોસ્ટરોને ઉતારી લેવામાં આવ્યા હતા. પોસ્ટર ઉતારવાની કામગીરી ચાલતી હતી તે સમયે વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ અધિકારીને ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, વડોદર શહેરની અંદર ઘણા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. તો આમ આદમી પાર્ટીનું પોસ્ટર જ કેમ ઉતારી લેવામાં આવે છે. સાથે જ કાર્યકર્તાએ અધિકારીને કહ્યું હતું કે, અમારું પોસ્ટર ઉતારી લીધું તેનો કોઈ વાંધો નથી પણ તેની સાથે અન્ય પોસ્ટરો પણ ઉતારી લેવા જોઈએ. જો તંત્ર આ પ્રકારે કિન્નાખોરી રાખીને અમારું જ પોસ્ટર ઉતારશે તો અમારે ન છૂટકે આંદોલન કરવું પડશે.

(11:41 pm IST)