Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

રાજ્યભરમાં ૧૦ હજારથી વધુ બુથ પર રસીકરણનો ઉત્સાહભેર પ્રારંભઃ મુખ્ય સચિવ પંકજ કુમારે સમગ્ર કામગીરીની સમીક્ષા કરી

રાજ્યમાં મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે મેગા ડ્રાઇવ શરૂ : મેગા ડ્રાઇવ દરમ્યાન ૭,૫૦૦ જેટલા ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક ૩૫ લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાનુ આયોજન

રાજકોટ, તા. ૧૭ : કોરોના રસીકરણમાં ગુજરાત રાજ્યનું પર્ફોમન્સ શ્રેષ્ઠ રહ્યુ છે ત્યારે મહત્તમ રસીકરણ કરી સૌના સાથ થકી રાજ્યને કોરોનામુકત બનાવવાના ઉદ્દેશ સાથે આજે તા.૧૭મી સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-૧૯ રસીકરણની મેગા ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યુ છે. સમગ્ર મેગા ડ્રાઇવના આયોજન અને તૈયારીઓ અંગે રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે ગઇ કાલે ગુરુવારે વિડીયો કોન્ફરન્સ મારફતે તમામ જિલ્લા કલેકટર અને મ્યુનિ.કમિશનર સાથે સંવાદ કરી જરુરી સુચનાઓ આપી હતી. આજે સવારથી રાજ્યભરમાં મેગા ડ્રાઇવ માટે ઉભા કરાયેલા ૧૦ હજારથી વધુ બુથ પર રસીકરણનો ઉત્સાહભેર પ્રારંભ થઇ ગયો છે. સમગ્ર કામગીરી પર સવારથી મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર નજર રાખીને તેની જરૂરી સમીક્ષા કરી રહ્યા છે. 

આજે આ ડ્રાઇવ દરમ્યાન ૭,૫૦૦ જેટલા ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે. આ મેગા ડ્રાઇવ દરમ્યાન ૩૫ લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાનુ આયોજન છે. મેગા ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ડોઝ માટે બાકી લાભાર્થી અને બીજા ડોઝ માટે બાકી રહેલા લાભાર્થીને રસીકરણ સેવા આપવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં અને રાજ્યમાં તા. ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કોવિડ-૧૯ રસીકરણ કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તા. ૧૫ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કુલ ૫.૩૩ કરોડ રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રતિ દસ લાખ વસ્તીએ ૮,૩૪,૭૮૭ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર સ્થાન ધરાવે છે. રાજ્યમાં કુલ ૫,૯૦૬ ગામડાઓ, ૧૦૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧૪ શહેરી આરોગ્ય કેન્દ્ર તથા ૧૭ તાલુકાઓમાં તમામ ૧૮ વર્ષથી ઉપરના વ્યકિતઓને રસીનો પ્રથમ ડોઝ આપી ૧૦૦ ટકા રસીકરણ કરવામાં આવ્યુ છે. રાજ્યમાં કોવિડ-૧૯ રસીના સ્ટોરેજ ૬ ઝોન કક્ષાના વેકસીન સ્ટોર, ૪૧ જિલ્લા કોર્પોરેશન કક્ષાના સ્ટોર તથા રર૩૬ કોલ્ડ ચેઇન પોઇન્ટ હાલની પરિસ્થિતિએ ઉપલબ્ધ છે. કોવિડ રસીકરણ કાર્યક્રમ માટે રાજ્યમાં ૧૨,૦૦૦થી વધુ તાલીમબધ્ધ વેકસીનેટર ઉપલબ્ધ છે.

(1:09 pm IST)