Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

મંત્રીઓએ સરકારી કામ સીવાય પ્રવાસ ન કરવોઃ ૧૫ દિવસ સુધી ગાંધીનગર ન છોડવું: ભૂપેન્દ્રભાઈ પટેલનો આદેશ

ગાંધીનગર,તા.૧૭: રાજયના નવ નિયુકત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને આગામી ૧૫ દિવસ સુધી ગાંધીનગર ન છોડવાની તાકિદ કરી છે એટલું જ નહીં મંત્રીઓને વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરવા સુચના પણ આપી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આદેશ કરતા મંત્રીઓને સરકારી કામ સિવાય કોઈ પ્રવાસ ન કરવા માટે પણ સુચના આપી દેવામાં આવી છે. તેમજ મંત્રીઓને આગામી બજેટના કામની સમીક્ષા કરવા સહિતની કામગીરી પર ચર્ચા કરવાના આદેશ આપી દેવાયા છે.

મહત્વનું છે કે આગામી ૨૦૨૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે ભાજપ દ્વારા મોટા પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, ભાજપ દ્વારા અત્યારથી જ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ત્યારે હવે નવ નિયુકતમંત્રીઓના શિરે મહત્વની જવાબદારી સોંપવામાં આવતા હવે તમામ મંત્રી મંડળને ૧૦૦ ટકા પર્ફોમન્સ આપવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.

આ ૧૦ મંત્રીઓમાં રાજેન્દ્રભાઈ ત્રિવેદી, જીતુભાઈ વાઘાણી, રાઘવજીભાઈ પટેલ, કિરિટસિંહ રાણા, પૂર્ણેશભાઈ મોદી સિવાય કોઈ કેબિનેટ મંત્રીને વહીવટી અનુભવ નથી.પાંચ મંત્રી સિવાય બાકીના પાંચ એકદમ કોરી સલેટ છે.સરકારના કોઈ પદ પર તેઓ રહ્યા નથી.ઋષિકેશભાઈ પટેલ, કનુભાઈ દેસાઈ, નરેશભાઈ પટેલ, પ્રદીપભાઈ પરમાર અને અર્જૂનસિંહ ચૌહાણ કયારેય સરકારમાં કોઈ પદ શોભાવ્યું નથી.અને સીધું તેમને કેબિનેટ જેવું મોટું મંત્રાલય અપાયું છે.

તો રાજયકક્ષાનો જેમને સ્વતંત્ર હવાલો સોંપાયો છે તેવા પાંચ મંત્રીઓમાં એક પણ અનુભવી નથી.હર્ષ સંદ્યવી, જગદીશભાઈ પંચાલ, બ્રિજેશભાઈ મેરજા, જીતુભાઈ ચૌધરી અને મનીષા વકીલ એકદમ નવા છે.હા તેમની પાસે અનુભવ છે માત્ર ધારાસભ્યનો.પરંતુ સરકાર ચલાવવાનો કોઈ જ અનુભવ નથી.તેમ છતાં રાજયકક્ષાનો સ્વતંત્ર હવાલો તેમને સોંપી બહૂ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

(3:13 pm IST)