Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ભાજપના નારાજ નેતાઓને વિપક્ષમાં આવવું હોય તો દ્વાર ખુલ્લાઃ હાર્દિક પટેલ

ચૂંટણીને એક વર્ષ બાકી છે ત્યારે મુખ્યમંત્રીનું રાજીનામું લઇને ભાજપ સરકાર લોકોને ગેરમાર્ગે દોરે છેઃ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખના પ્રહારો

રાજકોટ તા. ૧૭: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તમામ જૂના મંત્રીઓની બાદબાકી કરી તદ્દન નવા જ ચહેરાઓનો સમાવેશ કરતા કોંગ્રેસના આગેવાનોએ તીખી પ્રતિક્રિયા આપી છે. હાર્દિક પટેલે નીતિન પટેલ સહિત નારાજ મંત્રીઓને ઉદેશીને જણાવ્યું કે, જો તેમને વિપક્ષમાં આવવું હોય તો તમારા માટે દરવાજા ખુલ્લા છે. જયારે ગતરાત્રે શંકરસિંહ વાઘેલાને મળવા નીતિન પટેલ ગયા હોવાની ચર્ચા જોતા આગામી દિવસોમાં નારાજ જૂના મંત્રીઓ કે ધારાસભ્યો નવા-જૂની કરે તો નવાઇ નહીં.

હાર્દિક પટેલે નવા મંત્રીમંડળ મુદ્દે ભાજપ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણીના એક વર્ષ બાકી છે ત્યારે મોટું નાટક કરી ભાજપ સરકાર લોકોને ગેરમાર્ગે દોરે છે.  ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે એટલે હવે પ્રજાએ પણ ભાજપ માટેનો રિપીટ થિયરીનું મન બનાવી લીધું છે. હાર્દિક પટેલ આજે જામનગરના બેડીમાં વરસાદમાં મૃત્યુ પામેલા માછીમાર પરિવારની મુલાકાતે આવ્યા હતા. જામનગરમાં ભારે વરસાદી વાતાવરણ વચ્ચે દરિયાના વહેણમાં માછીમારી કરવા ગયેલા બેડી વિસ્તારના બે માછીમાર બંધુના ડૂબી જવાથી મૃત્યું થયા હતા. હાર્દિક પટેલ અસરગ્રસ્ત પરિવારની મુલાકાતે આવ્યા હતા. સ્થાનિક અગ્રણીઓ સાથે મુલાકાત દરમ્યાન મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી મદદની ખાતરી આપી હતી. તે પછી તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપના નારાજ નેતાઓ અંગે કહ્યું કે, નીતિન પટેલ સહિત નારાજ મંત્રીઓને વિપક્ષમાં આવવું હોય તો અમારા દરવાજા ખુલ્લા છે. અગાઉ પણ હાર્દિક પટેલે સરકારમાં જે હલચલ ચાલી રહી હતી તેને લઇને નિવેદન આપતા જણાવ્યું હતું કે, આરએસએસ અને ભાજપના સર્વેમાં કોંગ્રેસ જીતી રહ્યું છે. આ કારણે જ ગુજરાતના મુખ્યમંત્રી પાસેથી રાજીનામું લેવામાં આવ્યું છે.

(4:04 pm IST)