Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ઈડરના મસાલ ગામની સીમમાં કેનાલનું કામ ધીમું ચાલતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો

ઇડર: તાલુકાના મસાલ ગામની સીમમાં કેનાલનું કામ અતિ મંથર ગતિએ ચાલતું હોવાથી ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. છેલ્લા આઠ માસથી ચાલતા કામને લઇ ખેતરોમાં ઉભા પાક ઉપરાંત પાઈપલાઈનોને વ્યાપક નુકશાન થઇ રહ્યું છે. વળી વળતર ચુકવવાને મામલે પણ તંત્ર દ્વારા ઠાગા-ઠૈયા થઇ રહ્યા હોઈખેડુતોએ આંદોલનના માર્ગે જવા તૈયારી આરંભી છે.

મસાલ ગામની સીમમાં છેલ્લા આઠ માસથી ઉમેદગઢ માઈનોર કેનાલ પ્રોજેક્ટ- નું કામ ચાલી રહ્યું છે. જે તે વખતે તંત્રએ વળતર આપવાની વાત કરી ખેડૂતોની જમીનમાં કેનાલનું કામ શરૃ કર્યું હતું. તંત્ર દ્વારા ઝડપથી કામગિરી પૂર્ણ કરવાનો પણ વાયદો કરાયો હતો. જો કે કેનાલની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોઈ ખેડૂતોને મોટુ નુકશાન થઇ રહ્યું છે. ખેતરોમાં સતત વાહનોની અવર-જવરને લઇ ઉભા પાકમાં ભેલાણ થવા સાથે ખેડૂતોની પાઈપલાઈનોનો પણ કચ્ચરઘાણ નિકળી ગયો છે. બાબતે ખેડૂતોએ વારંવાર કેનાલ વિભાગના અધિકારીઓને રજુઆત કરી હોવા છતાં અધિકારીઓ ખેડૂતોને ગાંઠતા નથી અને મનમાની ચલાવી રહ્યા છે. વળતર ચુકવવાને મામલે પણ તંત્રના આંખ મિચામણાથી ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. બાબતે ખેડૂતોએ મુખ્યમંત્રીને રજુઆત કરતાંમુખ્યમંત્રીએ પણ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને લેખિત સુચના આપી નિયમોનુસાર ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમ છતાં અધિકારીઓ મુખ્યમંત્રીની સુચનાને ઘોળીને પી ગયા હોય તેમ આજે પણ મસાલના ખેડૂતોની સ્થિતિ જૈસે થે જેવી છે.

(6:15 pm IST)