Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

સુરતના પાંડેસરામાં બેંક ઓફ બરોડાનું એટીએમ ક્લોન કરી ભેજાબાજે 2 લાખની મતા ઉપાડી લેતા પોલીસ ફરિયાદ

સુરત:પાંડેસરાના કરિયાણાના દુકાનદારનો બેંક ઓફ બરોડાના એટીએમ કાર્ડ ક્લોન કરી ભેજાબાજોએ અલગ-અલગ રકમના 18 ટ્રાન્જ્કેશન થકી રૂ. 2 લાખની મત્તા ઉપાડી લીધાની ફરિયાદ પાંડેસરા પોલીસમાં નોંધાય છે.

પાંડેસરા ગુ.હા. બોર્ડ નજીક લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતો અને ઘરના આગળના રૂમમાં કૃષ્ણા કરિયાણા સ્ટોર નામે દુકાન ધરાવતા કમલેશ ચંદ્રપાલ યાદવ (.. 46 મૂળ રહે. ભાતા, તા. પેલાની, જિ. બાંદા, યુ.પી) ગત 4 ઓગષ્ટે ઉધના સ્થિત શ્રીજી હોસ્પિટલ નજીક બેંક ઓફ બરોડાના એટીએમમાં કેશ ઉપાડવા ગયો હતો. ત્રણ વખત એટીએમ કાર્ડ સ્વાઇપ કર્યુ હતું પરંતુ કેશ નહીં ઉપડતા પરત ઘરે આવી ગયો હતો. પંરતુ ત્રણ દિવસ બાદ કમલેશના મોબાઇલ પર ટેક્સ મેસેજ આવ્યો હતો જેમાં તેના ખાતામાંથી રૂ. 15 હજાર ડેબીટ થયાનો મેસેજ હતો. જેથી કમલેશ ચોંકી ગયો હતો અને તેણે મોબાઇલમાં અન્ય મેસેજ ચેક કર્યા હતા. જેમાં 4 ઓગષ્ટે રૂ. 10 હજારના પાંચ ટ્રાન્જ્કેશન, 5 ઓગષ્ટે પણ રૂ. 10 હજારના પાંચ ટ્રાન્જ્કેશન, 6 ઓગષ્ટે રૂ. 15 હજારના ત્રણ અને રૂ. 5 હજારનું એક ટ્રાન્જેકશન, 7 ઓગષ્ટે રૂ. 15 હજારના ત્રણ અને રૂ. 5 હજારનું એક ટ્રાન્જેકશન મળી કુલ રૂ. 2 લાખ ઉપાડી લીધા હતા. જેથી તુરંત કમલેશે પાંડેસરા જીઆઇડીસીની બેંક ઓફ બરોડા શાખામાં જઇ એટીએમ કાર્ડ બ્લોક કરાવ્યું હતું અને પોલીસમાં જાણ કરી હતી. જે અંતર્ગત પાંડેસરા પોલીસે ગત રોજ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(6:18 pm IST)