Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

બાળકોના યોગ્ય સ્વાસ્થ્ય, પોષણ અને શિક્ષણથી જ ઉન્નત ગુજરાતનું નિર્માણ કરી શકીશું : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

૭૧ બાળકોની ઓપન હાર્ટ સર્જરી માટે સહાય રૂપ થવાના ઉદાત ભાવ સાથે શ્રી સત્ય સાઈ હોસ્પિટલને રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત સરકાર રાજ્યના બાળકોના સ્વાસ્થ્ય અંગે હર હંમેશ ચિંતિત રહી છે : ગુજરાત સરકાર જનતા જનાર્દનની આરોગ્ય સુખાકારી માટે આરોગ્ય ક્ષેત્રે અદ્યતન અને વર્લ્ડ કલાસ સુવિધાઓ પ્રદાન કરતી રહેશે: મુખ્યમંત્રી

અમદાવાદ :મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, બાળકોના યોગ્ય સ્વાસ્થ્ય, પોષણ અને શિક્ષણ થકી જ આપણે ઉન્નત ગુજરાતનું નિર્માણ કરી શકીશું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તમ બનાવેલા ગુજરાતને સર્વોત્તમ બનાવી શકીશું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે ભાજપા ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા અને શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નાના બાળકો- ભૂલકાઓની હાર્ટ સર્જરી માટે કોઇ રાજકીય પક્ષ કે સંગઠન દ્વારા રૂપિયા પચ્ચીસ લાખની માતબર રકમ હોસ્પિટલને અર્પણ કરવામાં આવી હોય તેવી આ વિરલ અને ઐતિહાસિક ઘટના છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧માં જન્મદિવસે ભાજપા પ્રદેશ બક્ષીપંચ મોરચાએ જનસેવાનું અનોખું કાર્ય કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીએ કહ્યું કે, બાળકો આપણા દેશનું ભવિષ્ય છે, તેમનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી સારી હોય તે દેશના ઉજ્વળ ભવિષ્ય માટે જરૂરી છે. ૭૧ બાળકોની હૃદયની બિમારી દુર કરવાનો પ્રદેશ બક્ષીપંચ મોરચાનો આ ભગીરથ પ્રયાસ કાબીલે દાદ છે. 
તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી બાળકો પ્રત્યે ખૂબ જ વહાલ અને પ્રેમની લાગણી ધરાવે છે. નવી શિક્ષા નીતિ હોય કે આયુષ્માન ભારત યોજના વડાપ્રધાનશ્રીએ નાના બાળકોનો હંમેશા ખયાલ રાખ્યો છે.
મુખ્યમંત્રીએ  યુ. એન. મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ નો ઉલ્લેખ કરતા કહ્યું કે, અતિ આધુનિક ઉપકરણોથી સજ્જ યુ.એન.મહેતા ઇન્‍સ્‍ટીટયૂટ વડાપ્રધાનની ગુજરાતને આરોગ્‍ય ક્ષેત્રે એક ઉત્‍કૃષ્‍ટ ભેટ છે. યુ. એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજના હેઠળ દર વર્ષે હજારો બાળકોની હાર્ટ સર્જરી નિ:શુલ્ક કરવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત સરકાર રાજ્યના બાળકોના સ્વાસ્થ્ય અંગે હર હંમેશ ચિંતિત રહી છે. બાળકોનું સુસ્વાસ્થ્ય સુનિશ્ચિત થાય તે માટે છેલ્લા બે દાયકામાં સરકારે અનેક પગલા ભર્યા છે.
તેમણે ઉમેર્યું કે, રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અને શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ થકી ગુજરાત સરકારે રાજ્યના અનેક જરૂરતમંદ બાળકોની શારીરીક તકલીફ દુર કરી છે. કોકીલીયર ઇમ્પ્લાન્ટ જેવા ઓપરેશનથી જન્મજાત મૂક-બધીર બાળકોને વાચા આપી છે.  
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, લોકશાહી શાસનમાં ચૂંટાયેલી સરકારોની એ નૈતિક જવાબદારી બને છે કે નાગરિકોની-લોકોની આરોગ્ય સુખાકારીની સાર-સંભાળ અને સ્વસ્થતાની બાબતોને અહેમિયત આપવામાં આવે.
 ગુજરાત સરકારે નાગરીકોને સુદ્રઢ આરોગ્ય માળખુ આપવામાં ક્યારેય પાછી પાની કરી નથી.
મુખ્યમંત્રીએ ગુજરાત સરકાર જનતા જનાર્દનની આરોગ્ય સુખાકારી માટે આરોગ્ય ક્ષેત્રે અદ્યતન અને વર્લ્ડ કલાસ સુવિધાઓ પ્રદાન કરતી રહેશે તેમ પણ આ તકે જણાવ્યું હતું.
ભાજપા ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા દ્વારા એકત્રિત કરાયેલા ફાળામાંથી રૂપિયા ૨૫ લાખનો ચેક મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલને અર્પણ કરાયો હતો.
ગુજરાત સહિત આઠ રાજ્યોના ૭૧ બાળકોની હાર્ટ સર્જરી માટે સત્યસાઈ હોસ્પિટલને પ્રદેશ બક્ષીપંચ મોરચા દ્વારા રૂપિયા પચ્ચીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. લગભગ ૧૫ જેટલા ભુલકાઓની હાર્ટ સર્જરી હોસ્પિટલમાં થઈ ચૂકી છે અને આગામી એક મહિનામાં  તમામ ૭૧ બાળકોની હાર્ટ સર્જરી કરી આપવામાં આવશે. શ્રી સત્ય સાઈ હોસ્પિટલમાંથી હૃદયરોગની સારવાર મેળવી સાજા થયેલા બાળકોને મુખ્યમંત્રીશ્રીએ રિલીવ લેટર આપી તંદુરસ્ત ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પ્રતીકાત્મક ઉજવણી સત્ય સાઈ હોસ્પિટલમાંથી સાજા થઇ ઘરે પરત ફરી રહેલા બાળકોની સાથે મંચ પર કેક કાપીને કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ પરિસરમાં આવેલા સાંઈ મંદિરમાં દર્શન કર્યા બાદ હોસ્પિટલમાં ઉપલબ્ધ ચિકિત્સા સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા બાળકોના વાલી, માતા-પિતાને રૂબરૂ મળી બાળકોની સારવાર અંગે માહિતી મેળવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય  ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભા.જ.પા ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ  ઉદય કાનગડ, શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલના ટ્રસ્ટીગણ અને હૃદયરોગની સારવાર મેળવી રહેલા બાળકોના માતા-પિતા ઉપસ્થિત રહ્યા હતા.

(9:32 pm IST)