Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

પલસાણામાં યુવાને બે પુત્રી સાથે જીવન ટૂંકાવી દીધું

પત્નીના આપઘાત બાદ યુવાનનું અંતિમ પગલું : પતિને સતત પત્નીની યાદ સતાવતી હતી અને પોતે પત્ની વગર જીવી નહિ શકે તેમ લાગતા આપઘાત કરી લીધો

ગાંધીનગર,તા.૧૭ : કલોલ તાલુકાના પલસાણામાં બનેલી એક કરુણાંતિકાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જેમાં એક મહિના અગાઉ પત્નીએ આપઘાત કરી લીધા બાદ પતિને સતત પત્નીની યાદ સતાવતી હતી અને પોતે પત્નિ વગર જીવી નહિ શકે તેમ લાગતા બે માસુમ પુત્રી સાથે ગુરુવારે આપઘાત કરી લીધો હતો. જ્યારે બાપ અને બે માસુમ દીકરીના મૃતદેહો મળી આવ્યા ત્યારે નાનકડા ગામમાં ખૂબ જ ગમગીની અને દુઃખના દ્રશ્યો સર્જાયા હતા. આ અંગે કલોલ તાલુકા પોલીસે અકસ્માતની નોંધ કરીને આગળની કાર્યવાહી શરું કરી છે. બનાવની વિગત મુજબ એક જ મહિનામાં પરિવારનો માળો વિંખાઈ જવાની આ ઘટનામાં પતિએ આત્યાંતિક પગલું ભરતાં પહેલા દોઢ પાનાની સ્યુસાઈડ નોટ લખી હતી. જેને જોતા જ લાગે છે કે પત્નીના વિયોગમાં યુવકની શું દશા હશે અને જ્યારે તેણે આ ન ભરવાના પગલાનો નિર્ણય કર્યો ત્યારે કેટકેટલા વિચારો તેના મગજમાં આવ્યા હશે. કલોલ પાસે આવેલા પલસાણા ગામમાં રહેતા ૩૫ વર્ષીય ભાવેશ એમ પ્રજાપતિ નામના યુવકની પત્ની મનિષાએ એક મહિના પહેલાં જ કોઈ કારણસર આપઘાત કરી લીધો હતો.

              યુવકે મરતા પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે પોતે પત્ની વગર જીવ શકતો નથી અને દીકરીઓને કોઈના પર બોજો બનાવવા માગતો નથી માટે આ પગલું ભરી રહ્યો છે. પત્નીના વિયોગમાં સતત એકલતા અનુભવતા ગુરુવારે બંને દીકરીને માટે ભણવા જરુરી ઝેરોક્સ કરાવવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જે બાદ તેના આ પગલાથી પરિવારને આઘાત લાગ્યો છે જ્યારે નાનકડા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ સાથે યુવકે પોતાની સ્યુસાઈડ નોટમાં પોતાના પીએફ સહિતના રુપિયા અને ભાગે આવતી જમીન મકાન સહિતની મિલકતને પોતની બંને વ્હાલસોયી દીકરીના નામે અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ અને જરુરિયાતમંદોને દાન આપી દેવા માટે કહ્યું હતું. આ સાથે યુવકે પોતાના અને બંને પુત્રીઓના અંતિમસંસ્કાર સાથે કરવા માટે પણ ઉલ્લેખ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપ્યા હતા. તેમજ આ મામલે હાલમાં તો પોલીસે નોંધ કરીને તપાસ શરું કરી છે.

(9:00 pm IST)