Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

સુરત : AC કમ્પ્રેસર ફાટવાથી બસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ : સુરત મેયરે દાઝેલા મુસાફરોની સ્મીમેર હોસ્પિટલમાં મુલાકાત લીધી

દાઝેલા મુસાફરોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં

સુરત : વરાછા વિસ્તારમાં હીરાબાગ સર્કલ પાસે રાજધાની ટ્રાવેલ્સની બસમાં એકાએક આગ લાગવાની ઘટના બની છે. જેમાં એક મહિલા મુસાફર બળીને ભડથું થઈ ગઈ છે. જ્યારે અન્ય મુસાફરો દાઝી ગયા છે. હાલ દાઝેલા મુસાફરોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

બસમાં આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. એકાએક લાગેલી આગને કારણે આસપાસના લોકો પણ મુસાફરોને બચાવવા માટે આવી પહોંચ્યા હતા. ત્યારે બસમાં સવાર મુસાફરોએ પણ પોતાના જીવ બચાવવા માટે બુમરાણ મચાવી હતી. 

આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ફાયરવિભાગની મહેનતને કારણે થોડા સમયમાં જ આગ કાબૂમાં આવી ગઈ હતી.આ ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી. 

પ્રાથમિક તપાસમાં ACનું કમ્પ્રેસર બ્લાસ્ટ થવાથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. બસમાંથી બે વ્યક્તિને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે, સુરતનો હીરાબાગ વિસ્તાર ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે. ત્યારે ખાનગી બસમાં આગ લાગવાની ઘટનાથી લોકો ઉમટી પડ્યાં હતા અને રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. 

રાજધાની ટ્રાવેલ્સ સ્લીપર કોચ બસમાં લાગી આગ લાગી હતી.આગ લાગવાની ઘટના સમયે બસમાં કુલ 15 મુસાફરો સવાર હતા અને બસ સુરતથી ભાવનગર તરફ જઈ રહી હતી. સુરતના મેયર હિમાલી બોઘાવાલાએ સ્મીમેર હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્ત સાથે મુલાકાત કરી હતી.

(11:57 pm IST)