Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

અમદાવાદમાં ચાની લારી પર પેપર અને પ્લાસ્ટિકના કપ પર પ્રતિબંધ લાદવાનો મનપાના નિર્ણયનો વેપારીઓ કર્યો વિરોધ

પેપર કપના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ રજૂઆત કરવા મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા:મેયર કિરીટ પરમારને આવેદનપત્ર પાઠવ્યું

અમદાવાદમાં ચાની લારી પર પેપર અને પ્લાસ્ટિકના કપ પર પ્રતિબંધ લાદવાનો મનપાએ નિર્ણય લીધો છે. ત્યારે આ નિર્ણયનો વેપારીઓ વિરોધ કરી રહ્યાં છે.  પેપર કપના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ રજૂઆત કરવા મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા. મનપા કચેરી પહોંચી મેયર કિરીટ પરમારને આવેદનપત્ર પાઠવ્યું હતું.  વેપારીઓનું કહેવું છે કે, મહાનગરપાલિકાના નિર્ણયથી તેમની રોજી રોટી છીનવાઈ જશે. ન માત્ર પ્લાસ્ટિક અને કાગળના કપ પરંતુ મનપા અન્ય 19 પ્લાસ્ટિકની ચીજ વસ્તુ પર પ્રતિબંધ લાદી શકે છે. જેમાં પ્લાસ્ટિકના ઝંડા, આઈસ્ક્રીમ સ્ટીક....પ્લાસ્ટિક સ્ટ્રો....અને પ્લાસ્ટિક ટ્રે જેવી ચીજ વસ્તુ સામેલ છે. 

20 જાન્યુઆરીથી ચાની કીટલી પર પેપર કપમાં વેચાતી ચા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.  પેપર કપનો ઉપયોગ કરનાર ચાના કીટલીના વેપારી પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.  જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે રોજના ચાના 20 લાખ કપ કચરામાં મળી આવતા હોવાના કારણે ગંદકી વધુ થાય છે અને પર્યાવરણને પણ નુકસાન પહોંચે છે તેને ધ્યાનમાં રાખીને હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.  જોકે ચાની કેટલીના વેપારી તેમજ પેપર કપના ટ્રેડર્સ લોકો રોજગારીથી વંચિત થઈ જશે તેને લઈને આજે એએમસીમાં આવીને વિરોધ કર્યો અને આ વેદનપત્ર મેયર કિરીટ પરમારને આપવામાં આવ્યું હતું.  જણાવ્યું કે જો કાગળ ના કપ પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો અમારી રોજી રોટી ને ભારે નુકસાન થશે અને એટલા જ માટે વેપારીઓ નાખુશ છે. 

(12:17 am IST)