Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ગુજરાતના પૂર્વ ધારાસભ્ય કાઉન્સિલની ગાંધીનગરમાં બેઠક : બંધ થયેલા પેન્શન મુદ્દે કાનૂની લડત આપવાનું નક્કી કરાયું

સરકાર કોઈકનો અહમ પોષવા માટે પૂર્વ ધારાસભ્યોને પેન્શન સરકાર નથી આપતી. પેન્શન મામલે પૂર્વ ધારાસભ્યો કાનૂની સલાહ લઈને લડાઈ લડી શકે

ગાંધીનગર : ગુજરાતના પૂર્વ ધારાસભ્ય કાઉન્સિલની ગાંધીનગરમાં બેઠક અને જનરલ સભા મળી હતી. આજની બેઠકમાં પૂર્વ ધારાસભ્યોના બંધ થયેલા પેન્શન મુદ્દે કાનૂની લડત આપવાનું નક્કી કરાયું છે.  પૂર્વ ધારાસભ્યોની બેઠકમાં સ્વ. હીરાબાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત દિવંગત પૂર્વ ધારાસભ્યોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.  સરકારે પૂર્વ ધારાસભ્યોને આપેલી રૂ. 15 લાખની મેડિકલ સહાય બદલ આભાર પ્રસ્તાવ પસાર કરાયો હતો.  પૂર્વ ધારાસભ્યો કાઉન્સિલની બેઠક બાદ બાબુભાઈ મેઘજી શાહે જણાવ્યું હતું કે, પૂર્વ ધારાસભ્યો પૈકી ચૂંટાયા અને 3 મંત્રી બન્યા તેમનું સન્માન કરાયું.   પૂર્વ ધારાસભ્યો માટે રૂ. 15 લાખની મેડિકલ સહાય બદલ સરકારનો આભાર માન્યો છે.  પૂર્વ ધારાસભ્યોને પેન્શન મળે તે અમારી માગણી છે.  દેશના 28 પૈકી 27 રાજ્યોમાં પેન્શન મળે છે માત્ર ગુજરાતમાં જ નથી અપાતુ.  સરકાર કોઈકનો અહમ પોષવા માટે પૂર્વ ધારાસભ્યોને પેન્શન સરકાર નથી આપતી.  પેન્શન મામલે પૂર્વ ધારાસભ્યો કાનૂની સલાહ લઈને લડાઈ લડી શકે છે.

  કાઉન્સિલના જનરલ સેક્રેટરી ભારત બરોટે જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોમાં પૂર્વ ધારાસભ્યો અને સાંસદોને સવલતો મળે છે.  ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જેના પૂર્વ ધારાસભ્યોને કોઈ સવલત મળતી નથી.  1985માં કોંગ્રેસે 300 રૂપિયા પેન્શન આપવાનો ઠરાવ કર્યો હતો.  1995માં સુરેશ મહેતાની સરકારે પૂર્વ ધારાસભ્યોને અપાતું પેન્શન બંધ કર્યું. કહેવાતા ગાંધીવાદીઓના વિરોધના કારણે પૂર્વ ધારાસભ્યોને પેન્શન નથી મળતું. આજની વ્યવસ્થા અધિકારીઓ અને ધારાસભ્યો સાથે જોડાઈ ગઈ છે. પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને પેન્શન નથી આપતા તો સાંસદોને કેમ?  ગુજરાતના પૂર્વ સાંસદોને પેન્શન બંધ કરવામાં આવે એક જ વ્યક્તિ જો ધારાસભ્ય હોય તો ના મળે સાંસદ હોય તો મળે.  બસમાં પણ પૂર્વ ધારાસભ્યો તરીકે અમારી ફજેતી થાય છે.  વોલ્વો બસમાં એમને ફ્રીમાં બેસવા પણ નથી દેતાં.  જે સક્ષમ છે તેને સરકાર પેન્શન ના આપે જેની પાસે જમીન છે, જે ઈન્કમટેકસ ભરે છે તેને પેન્શન ના આપો.  જે જરૂરિયાતમંદ અને આર્થિક રીતે સક્ષમ નથી તેમને પેન્શન મળવું જોઈએ. 

(12:26 am IST)