Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

અતિશય તાવ, શરદી, કફ...વાયરલ ઈન્‍ફેક્‍શનનો શિકાર બની રહ્યા છે બાળકો

શિયાળાની ઋતુમાં વધી જાય છે વાયરલ ઇન્‍ફેશનના કેસ : એક-બે અઠવાડિયા સુધી અસર રહે છેઃ આ સિવાય આંખોમાં બળતરા થવાની ફરિયાદ પણ કરવામાં આવી રહી છેઃ અમદાવાદના દવાખાનાઓમાં ભીડ વધી રહી છે

અમદાવાદ, તા.૧૮: શિયાળાની ઋતુમાં ઘણાં લોકો શરદી, ખાંસી, કફ વગેરે સમસ્‍યાઓથી પરેશાન હોય છે. ખાસકરીને બાળકોમાં વાયરલ ઈન્‍ફેક્‍શનનું જોખમ ઘણું વધારે હોય છે. આ વાયરલ ઈન્‍ફેક્‍શન સામાન્‍યપણે ૨-૩ દિવસ સુધી રહે છે. બાળકો જ્‍યારે વાયરલ ઈન્‍ફેક્‍શનનો શિકાર બને ત્‍યારે તેમને તાવ અને કફ જેવા લક્ષણો જોવા મળતા હોય છે. પરંતુ અમદાવાદ શહેરના બાળરોગોના નિષ્‍ણાંત ડોક્‍ટરોના જણાવ્‍યા અનુસાર, આ સિઝનમાં બાળકોમાં આ સંક્રમણની અસર ૨-૩ દિવસ નહીં એક-બે અઠવાડિયા સુધી જોવા મળી રહી છે.

નિષ્‍ણાંત તબીબોના જણાવ્‍યા અનુસાર, હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતા દર્દીઓની સંખ્‍યા ચોક્કસપણે ઓછી છે, પરંતુ OPDમાં દર્દીઓની સંખ્‍યામાં વધારો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં જે સતત બદલાવ આવી રહ્યો છે તે પણ આમ થવા પાછળનું એક કારણ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં થોડા દિવસ ગરમીનો અનુભવ થયો હતો, અને ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્‍યો છે. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયાનો અહેવાલ જણાવે છે.

ડોક્‍ટર ચેતન ત્રિવેદી જણાવે છે કે, ઠંડી લાગવી, તાવ આવવો, કફ થવો, આંખોમાં બળતરા થવા, ઓરી વગેરે ફરિયાદ સાથે બાળકોને લાવવામાં આવે છે. તાવ પણ થોડા દિવસ રહે છે. ઘણાં કેસમાં ડોક્‍ટરોને ચિકનગુનિયાની શંકા થાય છે પરંતુ ટેસ્‍ટ કરવામાં આવે તો જાણવા મળે છે કે આ વાયરલ તાવનો જ કેસ છે. અમે લોકોને વિનંતી કરીએ છીએ કે તમારા બાળકોને જરૂર ના હોય તો એન્‍ટીબાયોટિક્‍સ ના આપો.

અમદાવાદ શહેરમાં કાર્યરત એક બાળરોગ નિષ્‍ણાંત ડોક્‍ટર નિરવ બેનાણી જણાવે છે કે, સામાન્‍યપણે વાયરલ ઈન્‍ફેક્‍શન ૩થી ૫ દિવસ સુધી રહે છે, પરંતુ અત્‍યારે બાળકોને રિકવર થવામાં સમય લાગી રહ્યો છે. અત્‍યારે બાળકો ૮-૧૦ દિવસમાં સાજા થઈ રહ્યા છે. મોટાભાગના બાળકોએ ફ્‌લુ તેમજ અન્‍ય સંક્રમણોની રસી લીધી નથી હોતી. અમે કહી શકીએ કે આ વાયરલ ઈન્‍ફેક્‍શનની સિઝન છે. તમામ દર્દીઓમાં WBC કાઉન્‍ટ ઓછું હોય છે. જેનો અર્થ છે કે શરીર ઈન્‍ફેક્‍શન સામે લડી રહ્યું છે.ડોક્‍ટર નિヘલ ભટ્ટ જણાવે છે કે, પાછલા ૧૫ દિવસમાં OPDના કેસની સંખ્‍યા બમણી થઈ ગઈ છે. નવજાત બાળકોમાં પણ તાવ અને કફની સમસ્‍યા ઘણી વધી રહી છે. અમુક કેસમાં ઈન્‍ફેક્‍શનને કારણે જો ઓક્‍સિજનનું સ્‍તર ઘટી જાય તો દર્દીને દાખલ કરવાની પણ નોબત આવે છે.

(3:55 pm IST)