Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ડરવું પડે કે કર્યા પછી રડવું પડે, તેવા કાર્યથી દૂર રહોઃ પૂ.રત્‍નસુંદરસુરિશ્‍વરજી મ.સા

રત્‍ન સફારીમાં હજારોએ માણી 3D ટ્રેની સફળઃ ગ્‍લોબલ ફેમીલી શિબિરનો છેલ્લો દિવસ બન્‍યો પ્રમોદક

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ, તા.૧૮: સ્‍પર્શ મહોત્‍સવના ત્રીજા દિવસે, મંગળવારે સ્‍પર્શ નગરીના ભવ્‍યાતિભવ્‍ય ચિત્તાકર્ષક પ્રવચન મંડપમાં ગ્‍લોબલ પરિવાર શિબિરના છેલ્લા દિવસે પદ્મભૂષણ વિભુષિત આચાર્ય રત્‍નસુંદરસુરીશ્વજી મ.સા.એ ઉપદેશમાં જણાવ્‍યું હતું કે ‘તમને કોઇ સંપન્‍ન વ્‍યકિત અત્‍યંત સુખી દેખાતી હોય તો તેને કયારેય એકાંતમાં પછી જોજો કે તે કેટલો સંતુષ્‍ટ છે. તેના અંતરમનની વાત સાંભળશો તો તમને ખ્‍યાલ આવશે કે તેને પણ દુઃખ છે. તમને સંસારમાં કોઇ ચીજ પ્રાપ્‍ત થયા પછી સંતોષ થાય અર્થાત પ્રાપ્‍ત કર્યા પછી તૃપ્‍તિ થાય તે ધર્મ છે, પરંતુ પ્રાપ્‍તિ બાદ હજી વધુ મેળવવાની લાલસા રહે, આસકિત રહે તો તે દુઃખદાયક સ્‍થિતીમાં પરિવર્તિત થાય છે.'

શિબિરાર્થીઓને સારરૂપ બે મહત્‍વની વાત કરતા જૈનાચાર્ય રત્‍નસુંદરસુરીશ્વરજી મ.સા.એ કહ્યું હતુ કે, ‘જે કામ કરતા ડરવું પડે અને કર્યા બાદ રડવું પડે એવું કામ કયારેય કરવું નહિ એટલે કે એવું કૃત્‍ય કરવામાં મનમાં ડર થતો હોય અને થઇ ગયા પછી અફસોસ થાય કે મારાથી આવું કામ કેમ થઇ ગયું એવા કાર્યથી દૂર રહેવું કોઇ વ્‍યકિત જ્‍યારે ખરાબ કાર્ય કરે ત્‍યારે આગળ પાછળ નજર ફેરવી પછી એવું કાર્ય કરે છે, જ્‍યારે સારૂં કાર્ય કરનાર હંમેશા આકાર તરફ જોઇએ કાર્ય કરે છે. એવી રીતે જો બોલવાનું થાય ત્‍યારે કાગળમાં લખીને પહેલા તમારી સહી કરો અને ત્‍યારપછી બોલો એટલે કે ખૂબ વિચાર કર્યા પછી જ બોલાવું અને જે બોલેલુ પાળી શકાય હોય એવું બોલવું જોઇએ. આથી તમે સહી ન કરી શકો એવું બોલતા પહેલા બે વાચ વિચાર કરજો.'

ગુરુ દક્ષિણાનો ઉલ્લેખ કરતા જૈનાચાર્ય રત્‍નસુંદરસુરીશ્વરજી મ.સા.એ જણાવ્‍યું હતું કે ‘અમે બધા સાધુ ભગવંતો સમગ્ર વિશ્વના લોકોના કલ્‍યાણ માટે સતત પ્રયત્‍નશીલ છીએ. જ્‍યારે રશિયા-યુક્રેનનું યુધ્‍ધ શરૂ થયું ત્‍યારથી હું દરરોજ, વિશેષ કરીને આ સંકટ દૂર થાય તેવી પ્રાર્થના કરૂં છું'

સાધકો માટે બે પ્રકારના માર્ગ છે એક સંસારનો માર્ગ અને બીજો માર્ગ છે, શાસનનો અમે બધા શાસનના માર્ગે ચાલીએ છીએ. આથી અમારૂં સત્‍ય પણ અલગ છે. સંસારનું સત્‍ય વિદ્યમાન હોય એટલે કે નજરે પડે એવું સત્‍ય. સંસારનું આ સત્‍ય જે રાગ-દ્વેષથી દુઃખ આપે છે, જ્‍યારે અમે સાધુ-ભગવંતોનું સત્‍ય કલ્‍યાણ હિતકર હોય છે. અમારૂં સત્‍ય મોક્ષદાયક છે. સંસારનું સત્‍ય આપણને બચાવી શકતું નથી.આ સાથે જ, રત્‍નનગરીમાં રત્‍નનગરીમાં રત્‍ન સફારીનું સવિશેષ આકર્ષણ ઉભુ કરવામાં આવ્‍યું છે. અહીં ગુરુદેવ શ્રી રત્‍નસુંદરસુરિશ્વરજીની સમગ્ર જીવન યાત્રા જેમાં ૩૯૯ પુસ્‍તકોનું આલેખન, ગિરનારથી દેપલા ગામ સુધીની તેમની સફર થ્રીડી મેપીંગ મારફતે ટ્રેનની મુસાફરી દ્વારા દર્શાવવામાં આવ્‍યું છે.સ્‍પર્શ સમિતિના કન્‍વીનર ડો.સંજયભાઇ શાહે સફારીનો મર્મ જણાવતા કહ્યું હતું કે એક સમય હતો કે જ્‍યારે ગુરૂદેવને લખતા પણ નહોતું ફાવતું. એવા સમયે એમના ગુરૂજીએ તેમના માથે હાથનો સ્‍પર્શ કરીને કહ્યું હતું કે તારી આ લેખન યાત્રા કયારેય થંભશે નહીં. તે દિવસ અને આજની ઘડી, ગુરૂદેવ અસ્‍ખલિત ૪૦૦ પુસ્‍તકો સુધીની સફર ખેડી છે. બસ, એ સફરનો સ્‍પર્શ એટલે રત્‍ન સફારી. સભામાં ઉપસ્‍થિત જૈન અગ્રણી કુમારપાળ દેસાઇ અને કવિ તુષાર શુક્‍લે ગુરૂદેવના આશીર્વાદ મેળવ્‍યા હતા. તેમજ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું

(4:03 pm IST)