Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

સુંદરમ્‌ સમગ્ર સાહિત્‍ય યોજના ભૂલી જવાઇ ? સુરેશ જોષી ચેરની જાહેરાત થઇ, પ્રગતિના નામે મીંડુ

ગુજરાત સાહિત્‍ય અકાદમીમાં નિષ્‍ક્રિયતાનું વાતાવરણ ? : ભૂપેન્‍દ્રભાઇ અકાદમીના વહીવટ ઉપર બાજ નજર નહિ રાખે તો અકાદમીની સિધ્‍ધિઓ ધૂળધાણી થઇ જવાની ભીતિ

રાજકોટ તા.૧૮: ગુજરાતી સાહિત્‍ય અકાદમીની શરૂઆત સાહિત્‍યના શુભ હેતુથી વર્ષો પહેલા કરવામાં આવી હતી અને તેને મોહમ્‍મદ માંકડ, રમણલાલ જોશી, ભોળાભાઈ પટેલ, મનુભાઈ પંચોલી, હસુ યાજ્ઞિક અને વિષ્‍ણુ પંડ્‍યા જેવા સમર્થ સાહિત્‍યકારોનું નેતૃત્‍વ મળ્‍યું હતું, તેની દશા આજે નિર્જીવ ઇમારત જેવી બની ગઈ છે તેનાથી ઘણા સાહિત્‍યકારો ચિંતિત છે અને કેટલાક તો અકાદમીથી નિષ્‍ક્રિય બની ગયા હોવાની ભારે ચર્ચા છે.

બન્‍યું છે એવું કે છેલ્લા છ મહિનાથી આવી સ્‍થિતિ દેખાઈ રહી છે અને અગાઉ જે સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી, આંતર રાષ્ટ્રીય સાહિત્‍યિક સંસ્‍થાઓએ અકાદમીને નવાજી હતી, કેટલીક યુનિવર્સિટીઓ સાથે એમ.ઓ.યુ. કર્યા હતા અને યુ.કે. ની કેટલીક યુનિવર્સિટીઓ સાથે સાહિત્‍યિક વિમર્શનું આયોજન તૈયાર હતું તે બધુ હવે અભેરાઈ પર ચઢાવી દેવામાં આવ્‍યું છે ? ગુજરાતનાં ૧૦૦ ગામોના મુખ્‍ય હાઇ વે પર તે ગામ કે શહેરમાં જન્‍મેલા સાહિત્‍યકાર-પત્રકારની સ્‍મૃતિ ઊભી કરવાની યોજના હતી, તે હવે ખોરંભે પડી છે. પૂર્વ અધ્‍યક્ષ વિષ્‍ણુ પંડ્‍યાના સમયમાં અકાદમીએ છેક અંતરિયાળ ગામડા સુધી સાહિત્‍યના કાર્યક્રમો યોજયા હતા તેની સંખ્‍યા ૫૦ જેટલી હતી. ૧૦૦૦ પરિસંવાદ સાથે, ગુજરાતી ભાષા દિવસે ૫૦ સ્‍થાનોએ યુવકો સાથે વાર્તાલાપ થયો, ૨૦૦૦ નવોદિત લેખકોને પુસ્‍તક પ્રકાશન માટે આર્થિક સહયોગ આપવામાં આવ્‍યો હતો.

આ ઉપરાંત પ્રત્‍યેક વર્ષે પ્રકાશિત ઉત્તમ પુસ્‍તકોને પારિતોષિકો આપવામાં આવ્‍યા હતા. ગુજરાતી, હિન્‍દી, સંસ્‍કૃત, સિંધી, ઉર્દુ અને કચ્‍છી સાહિત્‍ય અકાદમીનો વિસ્‍તાર કરવામાં આવ્‍યો. અધ્‍યક્ષ જાતે કચ્‍છ, સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ-મધ્‍ય ગુજરાતમાં સાહિત્‍યિક પ્રવાસો કરતા હતા. એટલું જ નહીં છેક ઉરિયા ભાષાના સમર્થ લેખકના ગ્રંથનો ગુજરાતીમાં અનુવાદ અકાદમીએ કર્યો તેનું વિમોચન કરવા રાષ્ટ્રીય સ્‍વયં સેવક સંઘના સરસંઘચાલક મોહનરાવ ભાગવત અમદાવાદ આવ્‍યા હતા એ જ રીતે કાશી વિશ્વવિદ્યાલયમાં ૧૦૦ વીઆરએસએચ પૂર્વે છપાયેલા ડો. રામદાસ ગૌડના ગ્રંથ ‘હિંદુત્‍વ'નું લોકાર્પણ રાજયપાલશ્રી દેવદત્ત આચાર્યએ રાજભવનમાં કર્યું હતું. બહુચર્ચિત જે.એન.યુ વિષેની ડો. અંશુ જોશીની હિન્‍દી નવલકથા પણ પ્રકાશિત થઈ. ભગવતી કુમાર શર્મા અને મોહમ્‍મદ માંકડ પથારીવશ હતા તો હોસ્‍પિટલ અને નિવાસસ્‍થાને જઈને અકાદમીએ ગૌરવ સન્‍માન કર્યું હતું તેમાં તત્‍કાલિન મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

હવેની સ્‍થિતિ એવી થવા માંડી છે કે અકાદમીની પાસે સરકારનું મોટું ભંડોળ છે છતાં દેખાવ ખાતર થોડાક કાર્યક્રમો થાય છે, તેમાં જવાનું અકાદમીના હોદ્દેદારો ટાળે છે તેવી પણ ફરિયાદો ઉઠી છે.  જવાબો મળતા નથી, મુલાકાતી સાહિત્‍યકારોને મળ્‍યા વિના પાછા જવું પડે છે. નવોદિતોની સ્‍ક્રીપ્‍ટનો જલ્‍દી નિર્ણય આવતો નથી. આંબેડકર યુનિ સાથે સુરેશ જોશી ચેરનું પૂર્વ અધ્‍યક્ષ અને કુલપતિએ આયોજન કર્યું હતું, જાહેરાત પણ થઈ ગયેલી તેમાં કોઈ પ્રગતિ અકાદમીએ કરી નથી. આ ઉપરાંત સુંદરમ સમગ્ર સાહિત્‍યની યોજનાને ભૂલી દેવામાં આવી હોવાની પણ ચર્ચા છે.

 અકાદમીના મહામાત્ર ને સરદાર પટેલ યુનિવર્સિટીમાં સિનિયર અધ્‍યાપક તરીકે જૂન ૨૦૨૨માં નિમણૂક થઈ તેમાં નિયમ એવો છે કે બે વર્ષ સુધી તેમણે બીજે બદલી કે નિયુક્‍તિ થઈ શકે નહિ. છતાં કહેવાય છે કે એક પૂર્વ મંત્રી અને બીજા કેટલાકના દબાણને લીધે  ફરીવાર અકાદમીના મહામાત્ર બનાવી દેવામાં આવ્‍યા છે. અકાદમીના સરકારી મહામાત્ર હોવા છતાં તેઓ ભાષા નિયામકનો વધારાનો ચાર્જ હોવાથી અકાદમીને પૂરતો સમય આપતા નથી. તેવી પણ કાના ફૂસી છે. માત્ર સરકારી અધિકારી હોવા છતાં  સરકારી ગાડી પર સાયરન સાથે ફરે છે તેવી ચર્ચા છે .અધ્‍યક્ષ તો ભાગ્‍યેજ આવે છે એટ્‍લે સાહિત્‍યકારો હવે અકાદમીની મુલાકાત લેતા બંધ થયા છે. દેખાવ પૂરતા કાર્યક્રમો માત્ર ઓફિસમાં બેસીને ત્‍યાંજ યોજવામાં આવે છે તેમાં પણ એક એવા સાહિત્‍યકાર સાથે ‘અમૃત સંવાદ'નો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો, જેમણે અકાદમીની વિરૂદ્ધમાં વાહિયાત અરજીઓ કરી હતી. તેવી વાતો પણ ચર્ચામાં છે.

 એક ગંભીર બાબત એ છે કે ૧૦ કરોડ રૂપિયાના પુસ્‍તકોનો સરકારી ઓર્ડર મળ્‍યો છે, એટલા પુસ્‍તકો જ અકાદમી પાસે નથી એટ્‍લે તે ફરીવાર છાપવા પડે તેમ છે, આમાં જુદાજુદા પ્રિંટિંગ પ્રેસને કયાં ભાવે, કેટલા પુસ્‍તકો છાપવાનું અકાદમીએ નકકી કર્યું છે તેની પારદર્શિતા રહેવી જોઈએ. તેવી લાગણી પણ દર્શાય છે. આ ઓર્ડર એવો છે કે તેમાં ભ્રષ્ટાચારનો પૂરો અવકાશ છે. સરકારમાં નિવૃત્ત થયેલા, પણ હજુ જેમની સેવા લેવામાં આવી રહી છે તેવા એક અધિકારીની સાંઠગાંઠની ચર્ચા છે. આ અધિકારીને પૂર્વ અધ્‍યક્ષની નિવૃત્તિ પછી અધ્‍યક્ષ બનવાની ઈચ્‍છા હતી. તે વાત પણ ચર્ચામાં છે. અકાદમીમાં સરકારી ઓફિસરને અધ્‍યક્ષ બનાવવાના ઉદાહરણો છે.

 પૂર્વ અધ્‍યક્ષ વિષ્‍ણુ પંડ્‍યાની મહેનતને લીધે ગુજરાત સાહિત્‍ય અકાદમીનું વિશાળ ‘મેઘાણી ભવન' સેક્‍ટર ૧૦ માં તૈયાર થઈ રહ્યું છે. તેનો શિલાન્‍યાસ પૂર્વ મુખ્‍યમંત્રીએ કર્યો હતો, વર્તમાન મુખ્‍યમંત્રી અકાદમીના વહીવટ પર તાકીદે ધ્‍યાન આપે તેવી લાગણી પ્રવર્તે છે. મેઘાણી ભવન ખાલી ઇમારત રહે અને હાલના હોદ્દેદારો પર છોડી દેવામાં આવે તો તો પાછલા વર્ષોમાં આખા ગુજરાતમાં સાહિત્‍યનું વાતાવરણ સર્જીને અકાદમીએ સિદ્ધિ હાંસલ કરી હતી તે ધૂળમાં મળી જશે તેવો અભિપ્રાય વ્‍યકત થઈ રહ્યો છે.

(4:05 pm IST)