Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ગાંધીનગરના આસપાસના વિસ્તારમાં બે મકાન સહીત શાળાને નિશાન બનાવી તસ્કરોએ હાથફેરો કરતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ઘરફોડ ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે શહેર નજીક આવેલા ચિલોડા પંથકમાં ગઇકાલે રાત્રે તસ્કરોએ હાહાકાર મચાવી દીધો હતો અને એક જ રાતમાં બે શાળા સહિત ચાર સ્થળોએ ટોળકી ત્રાટકી હતી અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. શાળાના સીસીટીવીમાં ત્રણ તસ્કરો કેદ પણ થયા હતા. પોલીસને જાણ કરવા છતા કલાકો સુધી ફરિયાદ લેવામાં નહીં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

શિયાળો શરૃ થતાની સાથે જ પાટનગર ગાંધીનગરમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. રાયસણમાં આઇએએસ અધિકારીના બંધ મકાનમાંથી ૧૮.૬૦ લાખની ચોરી થવા પામી હતી જે તસ્કરોનો હજુ સુધી કોઇ પત્તો લાગ્યો નથી. ઉત્તરાયણ પર્વમાં રાંધેજાના બંધ મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું ત્યારે ગઇકાલે રાત્રે ચિલોડા પંથકમાં આવેલી સહજાનંદ સ્કૂલ ઓફ એચિવરમાં તસ્કર ટોળકી ત્રાટકી હતી પાછળની બાજુએ ફેન્સીંગની વાડ કાપીને તસ્કરો પ્રવેશ્યા હતા અને એડમીન તથા સુપરવાઇઝર ઓફિસના તાળા તોડીને પાંચ જેટલી તિજોરીમાં હાથ સાફ કર્યો હતો જો કે, અહીં રોકડ રૃપિયા હાથ નહીં લાગતા તસ્કરોએ બાજુમાં આવેલી અન્ય એક શાળા અને બે દૂકાનોને પણ નિશાન બનાવી હતી જેમાં થ્રેસરની દૂકાનમાંથી દોઢેક લાખની મત્તા ચોરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. સવારના સમયે શાળામાં સંચાલકો અને અન્ય કર્મચારીઓ આવી પહોંચતા ચોરીનો અંદાજ આવ્યો હતો જેથી આ મામલે ચિલોડા પોલીસને જાણ કરી હતી પરંતુ કલાકો સુધી પોલીસ આવી ન હતી. હજુ સુધી આ મામલે કોઇ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. પરંતુ ગાંધીનગરમાં વધેલી ઘરફોડ ચોરીની ઘટનાઓ છતા પોલીસનું ઉદાસીન વલણ શંકા ઉપજાવી રહ્યું છે.

(4:58 pm IST)