Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

અમદાવાદ:મહિલા પાસે તગડું વ્યાજ લઇ ધમકી આપતા પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: દર્પણ એકેડમીના આર્ટીસ્ટની માતા વ્યાજખોરોમાં સપડાતા મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો હતો. મહિલા પાસે તગડું વ્યાજ લઈ ધમકી આપતા પિતા-પુત્ર સામે નવરંગપુરા પોલીસે સોમવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આરોપીઓએ મહિલાને સોનાના દાગીના ૨૪ લાખ આપ્યા તેની પર નક્કી થયેલા વ્યાજ દર કરતા ચાર ટકા વધુ વ્યાજ વસુલ્યું તેમજ બીજા ચાર લાખ પર આરોપી પિતા-પુત્રએ રોજનું ૨૪૦૦ લેખે વ્યાજ મહિલા પાસેથી વસુલ કર્યું હતું. મહિલાને ધમકી આપી જાનથી મારવાની ધમકી આપતા ભોગ બનનારે પોલીસ ફરિયાદ કરી હતી. વ્યાજ સમયસર ના ચુકવાય તો આરોપીઓ પેનલ્ટી માંગતા તેમજ દાગીના વેચી દેવાની ધમકી આપતા હતા. વસ્ત્રાપુરના તક્ષશીલા એપાર્ટમેન્ટમાં રહેતાં દેવાંગનાબહેન દેવાંગભાઈ પંચાલ (ઉં,૫૩)એ નવરગંપુરામાં ઝેવિયર્સ લેડીઝ હોસ્ટેલની સામે આવેલા ફેરડીલ હાઉસમાં ઓફિસ ધરાવતાં સુભાષભાઈ શર્મા અને તેમના પુત્ર લોકેશ શર્મા વિરૂદ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ મહિલાના ૩૦ વર્ષીય પુત્ર ઉસ્માનપુરા ખાતે આવેલી દર્પણ એકેડમીમાં આર્ટીસ્ટ તરીકે નોકરી કરે છે. મહિલાને ધંધામાં પૈસાની જરૂર હોવાથી તેઓએ સોનાના દાગીના મુકીને વ્યાજ રકમ લીધી હતી. આ દરમિયાનમાં સુભાષ શર્મા અને તેમના પુત્ર લોકેશ શર્મા સાથે પરિચય થતા ફરિયાદી દેવાંગનાબહેને તેઓના ત્યાં દાગીના ગીરવે મુકીને ૨૪.૧૦ લાખની રકમ માસીક ૨.૨૫ ટકાના વ્યાજે લીધી જો કે, પિતા-પુત્રે મહિલા સાથે નક્કી કરેલા વ્યાજ દર કરતા ચાર ટકા વધુ વ્યાજ વસુલ્યાનો આક્ષેપ ફરિયાદમાં છે. આ ઉપરાંત મહિલાએ લીધેલા વધારાના ચાર લાખનું આરોપીઓ રોજનું રૂ.૨૪૦૦ લેખે વ્યાજ વસુલતા હતા. 

(5:00 pm IST)