Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : રાષ્ટ્રપતિ મહોદયા શ્રી દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ પત્ર દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવી

રાજભવન પરિવાર દ્વારા રાજભવનમાં રક્તદાન શિબિરનું આયોજન : રાજ્યપાલશ્રીના પરિવારજનોએ પણ રક્તદાન કર્યું : 903 યુનિટ રક્ત એકત્ર કરાયું

રાજકોટ તા.૧૮

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસ પ્રસંગે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શુભકામનાઓ પાઠવી હતી. રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભેર શુભકામનાઓ પાઠવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના દીર્ઘાયુની કામના કરતાં તેમના દ્વારા લોકહિતના ઉમદા કાર્યો થતા રહે એવી શુભેચ્છાઓ આપી હતી. રાજ્યપાલશ્રીના જન્મદિવસ નિમિત્તે સેવાકાર્ય હેતુ રાજભવન પરિવાર દ્વારા રાજભવનમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિર દરમિયાન 903 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું.

 

ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મુર્મુ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ પત્ર પાઠવીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને જન્મદિવસની શુભકામનાઓ આપી છે.

 

રાજભવન પરિવાર દ્વારા આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસ નિમિત્તે સેવાકાર્ય હેતુ રાજભવનમાં આજે સવારે 8:00 વાગ્યાથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું રાજ્યપાલશ્રીના સુપુત્ર શ્રી ગૌરવ આર્યનો પણ આજે જન્મદિવસ હતો. પુત્ર શ્રી ગૌરવ આર્ય અને પુત્રવધુ શ્રીમતી કવિતાજીએ પણ આ શિબિર દરમિયાન રક્તદાન કર્યું હતું.

 

ગાંધીનગર અને અમદાવાદની સિવિલ હોસ્પિટલ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી યોજાયેલી આ રક્તદાન શિબિરમાં અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ, સેના-પોલીસના જવાનો, કોલેજના વિદ્યાર્થીઓ, ધાર્મિક-સેવાભાવી સંગઠનો, યુનિવર્સિટીઓના છાત્રો સહિત વિવિધ 78 જેટલી સંસ્થાઓના પ્રતિનિધિઓએ રક્તદાન કર્યું હતું. રાજ્યપાલશ્રીના ચીફ મેડિકલ ઓફિસર શ્રી ડૉ. શશાંક સિમ્પીના સંકલનથી આયોજિત આ રક્તદાન શિબિરમાં 903 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. આટલા રક્તથી 20709 જેટલા લોકોના જીવ બચાવી શકાય છે.

 

(5:09 pm IST)