Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના 64 મા જન્મદિવસે  શિષ્ય શ્રી સત્યપ્રકાશ આર્યએ છેક બનારસથી આવીને 118 મી વખત રક્તદાન કર્યું

"અમારા પ્રધાનાચાર્યજીએ અભ્યાસની સાથોસાથ સેવાભાવનાના પાઠ ભણાવ્યા હતા. 'જીવનમાં નિ:સ્વાર્થ ભાવે સેવા કરો'- એવો બોધ આપ્યો હતો, અમે એ રીતે જ સેવા કરતા આવ્યા છીએ અને કરતા રહીશું."

રાજકોટ તા.૧૮ :રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના 64 મા જન્મદિવસ પ્રસંગે ગાંધીનગરમાં રાજભવનમાં આયોજિત રક્તદાન શિબિરમાં છેક બનારસથી રક્તદાન કરવા અને રાજ્યપાલશ્રીને જન્મદિવસે પ્રણામ પાઠવવા આવેલા તેમના શિષ્ય શ્રી સત્યપ્રકાશ આર્યના આ શબ્દો છે. શ્રી આચાર્ય દેવવ્રતજી હરિયાણાના કુરુક્ષેત્રના ગુરુકુળમાં પ્રધાનાચાર્ય હતા ત્યારે તેમની પાસે ભણેલા શ્રી સત્યપ્રકાશ આર્યએ 118 વખત રક્તદાન અને 14 વખત પ્લેટલેટનું દાન કર્યું છે. તેઓ મિશન રક્તક્રાંતિ હિન્દુસ્તાન સાથે પણ સક્રિય રીતે જોડાયેલા છે. તેઓ અને તેમના પરિવારના સભ્યો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવી-માતાજીના જન્મદિવસે અચૂક રક્તદાન કરે છે. બનારસમાં યોગ પ્રશિક્ષક તરીકે સેવાઓ આપતા શ્રી સત્યપ્રકાશ આર્યએ કહ્યું કે, "પ્રધાનાચાર્યજીએ અમને શિક્ષાની સાથે સ્વાસ્થ્ય અને સંસ્કારનું પણ શિક્ષણ આપ્યું છે. અમારામાં સેવાભાવ કેળવ્યો છે. રાજ્યપાલશ્રીએ મારા જેવા અનેક શિષ્યોને મૂલ્યનિષ્ઠ જીવન કેમ જીવાય એ શીખવ્યું છે,  અમારામાં સારા સંસ્કારોનું સિંચન કર્યું છે." શ્રી સત્યપ્રકાશ આર્યએ આજે રાજભવનમાં 118મી વખત રક્તદાન કર્યું હતું.

 

(6:05 pm IST)