Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

રાજ્યના તમામ વિભાગો દ્વારા એક જ વિષય વસ્તુને લગતા સમયાંતરે અમલી બનાવેલા સરકારી ઠરાવો / પરિપત્રોને 31 માર્ચ 2023 સુધીમાં સંકલિત કરી જાહેર કરવામાં આવશે - પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

“સનસેટ ક્લોઝ” દાખલ કરીને ચોક્કસ સમયમર્યાદા બાદ સમીક્ષા,સુધારા-વધારા, અન્ય વહીવટી સૂચનાઓના સમાવેશ સાથે પુન: નવા સંકલિત ઠરાવો/ પરિપત્રો જાહેર અંગેની અગત્યની જોગવાઇ દાખલ કરાશે: નવા ઠરાવો બહાર પાડતા સમયે તે ઠરાવોની જોગવાઓની સમજૂતી માટે FAQs સંબંધિત વિભાગની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના નિર્ણય સંદર્ભે મીડિયા મિત્રોને સંબોધતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ વિભાગો દ્વારા એક જ વિષયને લગતા જુદા જુદા સમયમાં અમલી બનાવેલા સરકારી ઠરાવો / પરિપત્રોને ઝુંબેશ સ્વરૂપે 31 મી માર્ચ 2023 સુધીમાં સંકલિત કરીને જાહેર કરવામાં આવશે.

વધુમાં મંત્રીએ જણાવ્યું કે, હવે પછી જાહેર થનારા ઠરાવો/પરિપત્રોમાં “સનસેટ ક્લોઝ” દાખલ કરીને એક ચોક્કસ સમય પછી તેની સમીક્ષા અને તે તારીખ પછી સુધારા-વધારા અને અન્ય વહીવટી સૂચનાઓના સમાવેશ સાથે પુન: નવા સંકલિત ઠરાવો/ પરિપત્રો બહાર પાડવા અંગેની અગત્યની જોગવાઇ દાખલ કરવામાં આવશે.જેના થકી જે તે સમયના બદલાયેલા સંજોગોથી સરકારી ઠરાવો અથવા પરિપત્રો સુસંગત રહેશે.
  સનસેટ ક્લોઝ ઉમેરવા પાઠળનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ પરિપત્ર વર્ષો સુધી ચાલે નહીં અને તેના પર રીવ્યું કરીને નવી જોગવાઇ ઉમેરી શકાય, હાથ ધરી શકાય અથવા એ જ ઠરાવ નવી તારીખથી લાગુ પાડી શકાય તે રહેલો છે તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ.  
તદ્ઉપરાંત વિવિધ સરકારી યોજનાઓના નવા ઠરાવો બહાર પાડતા સમયે તે ઠરાવોની જોગવાઓની સમજૂતી તેના સંભવિત લાભાર્થીઓના દ્રષ્ટિકોણથી FAQ (Frequently Ask Question) પ્રશ્નોતરી સ્વરૂપે વેબસાઇટ ઉપર મૂકવામાં રહશે.જેના થકી ઠરાવો બહાર પાડનાર વહીવટી વિભાગ/ક્ષેત્રીય કચેરીઓ અને લાભાર્થીઓમાં જે તે ઠરાવોની સમજૂતી અંગેની મુંઝવણ દૂર થશે

(6:17 pm IST)