Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

રાજ્યભરની શાળાઓમાં ઓરડાની ઘટ દૂર કરવા ર૧ હજાર નવા વર્ગખંડો બાંધવા માટેની કાર્યવાહી શરૂ : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

૧૦ હજાર નવા વર્ગખંડો બાંધવા તથા ૨૧ હજાર વર્ગખંડો રીપેર કરવા માટે વર્ક ઓર્ડર ઇશ્યુ કરવામાં આવ્યો

ગાંધીનગર :પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યની શાળાઓમાં ઓરડાની ઘટ દૂર કરવા લેવાયેલા નિર્ણયની માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં નવા ૨૧ હજાર વર્ગખંડો બાંધવા માટે કાર્યવાહી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોને યોગ્ય ગુણવત્તાલક્ષી માળખાકીય સવલતો પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

   મંત્રીએ કહ્યું કે, માર્ચ ર૦ર૦ થી સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીના કોરોના કાળ દરમ્યાન કોઇ જ બાંધકામ પ્રવૃતિ ન થવાના કારણે રાજયમાં વર્ગખંડોની ઘટ વધી હતી. તા. ૩૦.૦૪.૨૦૨૨ સુધીમાં રાજયમાં લગભગ ૨૧ હજાર વર્ગખંડોની ઘટ ઉભી થઇ હતી. આ ઘટ દૂર કરવા માટે ર૧ હજાર નવા વર્ગખંડો બાંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે અત્યાર સુધીમાં અંદાજે ૧૦ હજાર નવા વર્ગખંડો બાંધવા તથા ૨૧ હજાર વર્ગખંડો રીપેર કરવા માટે વર્ક ઓર્ડર ઇશ્યુ કરવામાં આવ્યો છે અને બાંધકામની કામગીરી પણ હાલ ચાલુ કરી દેવામાં આવી છે. એટલું જ નહિ, વર્ષ ૨૦૨૨ દરમ્યાન નવા ૧૯૬૮ વર્ગખંડોનું બાંધકામ તથા ૩૯૯૦ વર્ગખંડોનું રીપેરીંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે

(7:06 pm IST)