Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ગુજરાત તરફથી બે વિદ્યાર્થી અને એક એસ્કોર્ટ ટીચરની પસંદગી કરાઈ

દાહોદથી ધોરણ ૧૦ની યુગ્મા લબાના અને અમદાવાદથી ધોરણ ૯નો વિદ્યાર્થી દક્ષ પટેલ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

ગાંધીનગર :કેબિનેટ બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનના "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમની છઠ્ઠી આવૃત્તિ આગામી ૨૭મી જાન્યુઆરીના રોજ દિલ્લી ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત તરફથી જી.સી.ઈ.આર.ટી. દ્વારા ૨ વિદ્યાર્થી અને એક એસ્કોર્ટ ટીચરની પસંદગી કરવામાં આવી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

વિદ્યાર્થી અને શિક્ષકના નામની જાહેરાત કરતા મંત્રીએ જણાવ્યું કે, દાહોદ ખાતે ધોરણ ૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની યુગ્મા લલિતભાઈ લબાના અને અમદાવાદ ખાતે ધોરણ ૯માં અભ્યાસ કરતા વિદ્યાર્થી દક્ષ ભદ્રેશભાઈ પટેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ગુજરાતનું પ્રતિનધિત્વ કરશે. જ્યારે એસ્કોર્ટ ટીચર તરીકે વિદ્યાર્થીઓ સાથે સરકારી શાળાના શિક્ષિકા પ્રાર્થનાબેન મહેતા સહભાગી થશે.
વધુમાં પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીની પુસ્તક "Exam Warrior"નું વિતરણ કરવામાં આવશે. આ પુસ્તકમાં એક્ઝામ ફિયરને દૂર કરવા માટેના કેટલાક અનુભવો અને ચર્ચાઓનો ઉલ્લેખ કર્યો છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારે ચિત્રકામ જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કર્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્ર આપવાનું પણ રાજ્ય સરકારે આયોજન કર્યું છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું

(6:19 pm IST)