Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

સુરતમાં સતત બીજા દિવસે ટેક્સ્ટાઈલ માર્કેટમાં 55 કિલોથી વધુના પાર્સલ ઉઠાવવા મુદ્દે ટ્રાન્સપોર્ટરો અને મજૂરોએ ભારે વિરોધ નોંધાવ્યો

15 જાન્યુઆરી બાદ 55 કિલોથી વધુના પાર્સલ નહીં ઉપાડવાનો નિર્ણય અમલી :વેપારીઓ અને મજૂર ટ્રાન્સપોર્ટર વચ્ચે ખેંચતાણ

સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં બીજા દિવસે પણ વિરોધ યથાવત રહ્યો. 55 કિલોથી વધુના પાર્સલ ઉઠાવવા મુદ્દે સતત બીજા દિવસે ટ્રાન્સપોર્ટરો અને મજૂરોએ ભારે વિરોધ નોંધાવ્યો. ટ્રાન્સપોર્ટર 55 કિલોથી વધુના માલના લાખો રૂપિયાના પાર્સલ ગોડાઉનથી પરત કરી રહ્યાં છે. મજૂરો અને ટ્રાન્સપોર્ટરોનો આરોપ છે કે વેપારીઓએ તેમના લાભ માટે પાર્સલનો વજન વધારી 100 કિલો કર્યો છે. આ દર્દ છે, આ પીડા છે, 60 કિલો વજનનો માણસ 90થી 100 કિલોના પાર્સલ ઉપાડી રહ્યો છે. કેમ કે વેપારીઓ પોતાના રૂપિયા બચાવવા મજૂર પર અત્યાચાર ગુજારતા હોવાનો મજૂરોનો આક્ષેપ છે.

15મીથી ટેક્સટાઈલ માર્કેટમાં મજૂરોએ 55 કિલોથી ભારે પાર્સલો ઉંચકશે નહીં તેવો નિર્ણય કર્યો. સોમવારથી મજૂરોએ ભારે પાર્સલ ઉંચક્યા ન હતા અને ટ્રાન્સપોર્ટરોએ પણ પાર્સલ પરત મોકલી આપ્યા હતા. જો કે, અનેક વેપારીઓએ 55 કિલોથી વધારેના પાર્સલ તૈયાર કરી રાખ્યા હતાં. પરંતુ મજૂરોને કહ્યું કે, આ પાર્સલ 13 તારીખના છે એટલે તેને લઈ જાવ, મજૂરો પાર્સલ લઈને ટ્રાન્સપોર્ટરને ત્યાં આપવા ગયા હતાં, પરંતુ ટ્રાન્સપોર્ટરોએ ના પાડી દીધી.

 

ખાસ કરીને વધારે વજનના પાર્સલ ઉંચકવાને કારણે મજૂરોની શારીરિક સ્થિતિ કથળી રહી છે. ટેક્સટાઈલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ટેક્સટાઈલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયને 15મીથી આ નિર્ણય લીધો હતો. એટલું જ નહીં, ટ્રાન્સપોર્ટરે ચીમકી ઉચ્ચારી છે કે જો 55 કિલોથી નીચેના પાર્સલ બનાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

ટ્રાન્સપોર્ટરોના નિર્ણયને લઈને મર્કન્ટાઈલ એસોસિએશન દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને 55 કિલોથી વધારેના પાર્સલ નહીં ઉચકવાની બાબતનો વિરોધ કરવામાં આવ્યો. જો કે મજૂરોની ચિંતા એ છે કે અત્યારે આ સ્થિતિ હોય તો 45 અને 50 વર્ષે તેમની શું હાલત થાય.. ત્યારે તેમના પર કૃપા દ્રષ્ટિ કરી 55 કિલોના પાર્સલનો જ નિયમ લાગુ રહે તેવી તેમની માગ છે.

(8:42 pm IST)