Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા UIDAI ના સીઈઓ ડો. સૌરભ ગર્ગ

સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના દર્શન પ્રત્યેક માટે પ્રેરકબળ સમાન : યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના CEO ડો. સૌરભ ગર્ગ:સરદાર સાહેબના હ્રદયસ્થાનેથી વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું સવારનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળી પરમ આનંદની અનુભૂતિ કરતા ડો.ગર્ગ

(ભરત શાહ દ્વારા) રાજપીપલા, બુધવાર :યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના CEO ડો. સૌરભ ગર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ એકતાના પ્રતિક એવા અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની વિરાટ પ્રતિમાને નિહાળીને ધન્યતાનો ભાવ અનુભવ્યો હતો.

 વિશ્વપટલ પર આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાંથી સરદાર સાહેબની પ્રતિમાને નિહાળીને ઉર્જા, ઉત્સાહ અને પ્રેરણાની અનુભૂતિ કરતા ડો. ગર્ગે સ્ટેચ્યુ ઓફ યુનિટીની 45 માળની ઉંચાઈએ સ્ટેચ્યુની વ્યુઇંગ ગેલેરી એટલે કે સરદાર સાહેબના હ્રદયસ્થાનેથી વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ડો. ગર્ગની સાથે સમગ્ર ટીમે પણ વ્યુઇંગ ગેલેરીમાંથી પ્રાકૃતિક દ્રશ્ય સાથે એક અદભુત સવારનો નજારો માણ્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન ગાઈડ મિત્ર શ્રેયાબેન રાઠોડ થકી ડો.ગર્ગે પરિસરની વિશેષતા અને ઝીણવટભરી માહિતીથી વાકેફ થયા હતા. મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વહિવટીતંત્ર દ્વારા સ્મૃતિરૂપે ડો. સૌરભ ગર્ગને સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફીટેબલ બુક અર્પણ કરાઈ હતી.
આ પ્રસંગે UIDAI ના સીઈઓ ડો. ગર્ગ સાથે ડેપ્યુટી ડાયરેકટર જનરલ સર્વ સુમનેષ જોશી અને સુ.શ્રી. ભાવના ગર્ગ, રૂપિંદર સિંગ, અતુલ ચૌધરી, વિવેક વર્મા,  શૈલેન્દ્ર સિંઘ પણ જોડાયા હતા.

(10:20 pm IST)