Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

નાંદોદ તાલુકામાં ગોપાલપુરા ગામે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાઇ રાત્રી સભા

ગામ લોકો દ્વારા રાત્રી સભામાં રજૂ કરાયેલા પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા આશ્વાસન પૂરું પાડતા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા: નાયબ પોલીસ અધિક્ષક જી.એ.સરવૈયાએ માર્ગ સલામતી અને સાયબર ક્રાઈમ અંગેસમજ પૂરી પાડી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : જિલ્લાના નાગરિકોના પ્રશ્નોનો સત્વરે અને સહેલાઈથી ઉકેલ લાવી શકાય તેવા ઉમદા આશય સાથે સરકાર દ્વારા સ્થાનિક સ્તરે રાત્રી સભાનું આયોજન કરવામાં આવે છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં ગોપાલપુરા ગામે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી ગામના પ્રશ્નો અંગે ઉપસ્થિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી.ગામ લોકો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું સત્વરે નિવારણ કરવાની ખાતરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપાતા ગામલોકોએ ખુશી વ્યક્ત કરી હતી.

   ગોપાલપુરા ગામમાં યોજાયેલી રાત્રી સભામાં ગામલોકો દ્વારા તળાવના નવીનીકરણ, ગામમાં આવેલા મંદિરોની કંપાઉન્ડ વોલ,આવાગમન માટે જાહેર પરિવહનની વ્યવસ્થા, ગામનાખેડૂતો માટે ખેતર તરફ તથા અન્ય ગામને જોડતા એપ્રોચ રસ્તાના કામો, હાઈવેમાં સંપાદિત થયેલી જમીનનું વળતર આપવા, સિંગલ ફેઝ લાઈન થકી વીજળી પુરી પાડવા, જમીનમાપણીના કનડતા પ્રશ્નો તેના માટે ખેડૂતોએ કરેલી અરજીનો સત્વરે નિકાલ થાય અને સ્વચ્છભારત મિશન અંતર્ગત ગામમાંથી નીકળતા કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા જેવા વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરાઈ હતી. તેમજ ગામમાં રહેતા આર્થિકરીતે નબળા વર્ગના લોકોને આવાસની સુવિધા મળી રહે તે અંગે રજૂઆત પણ કરવામાં આવી હતી.                
  આ રાત્રી સભા દરમિયાન જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ જણાવ્યું કે, ગોપાલપુરા ગામ ખૂબ સારું છે, અહીં ખેતી પણ ખૂબ સારી છે પરંતુ ગામમાં ખૂટતી સુવિધાઓ વિશે જાણવાં અમે અહીં આવ્યા છીએ.ગામલોકો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ લાવી ગામને વધુ સમૃદ્ધ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર કામ કરશે. ખાસ કરીને મહિલાઓ અને યુવાનોના પ્રશ્નોને પણ વાચા આપી યોગ્ય નિવારણ લાવવાનું કલેક્ટર એ ગામલોકોને આશ્વાસન પૂરું પાડ્યું હતું.                                
   રાત્રિ સભામાં ઉપસ્થિત નાયબ પોલીસ અધિક્ષક જી.એ.સરવૈયાએ વધી રહેલા સાયબર ક્રાઈમ અને તેનાથી બચવા માટેના ઉપાયો, માર્ગ સલામતી,ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ – ૨૦૧૧ વિશે ગામલોકોને માહિતગાર કર્યા હતા.સાથોસાથ રાત્રી સભાના સ્થળે લોકજાગૃતિ માટેના બેનર્સ અને સ્ટેન્ડી પણ રાખવામાંઆવ્યા હતા.

(10:21 pm IST)