Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

રાજપીપલા નગરપાલિકા , પંચાયતની બેઠક માટે સમગ્ર શહેર-જિલ્લાની ૧૪૦ બેઠકો માટે કુલ ૫૦૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા

ભારતીય જનતા પાર્ટીના–૧૪૦,ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના-૧૨૪, આમ આદમી પાર્ટીના-૫૮, બીટીપીના ૮૪ અને અપક્ષ- ૯૫ ઉમેદવારો ચૂંટણી સ્પર્ધામાં

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં આગામી તા.૨૮ મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી નર્મદા જિલ્લા પંચાયત અને નાંદોદ,ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા તથા સાગબારા તાલુકા પંચાયતો તેમજ રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોના ફોર્મની ચકાસણીની માન્યતા અને ત્યારબાદ ઉમેદવારી- પત્રો પરત ખેંચાયા બાદ હવે નર્મદા જિલ્લામાં આ સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની ચૂંટણીઓ માટેની કુલ- ૧૪૦ બેઠકો ઉપર કુલ ૫૦૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા યોજાશે. જેમાં રાજપીપલા નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે કુલ-૧૧૫ ઉમેદવારો, નર્મદા જિલ્લા પંચાયતની ૨૨ બેઠકો માટે કુલ-૭૯ ઉમેદવારો અને પાંચેય તાલુકા પંચાયતની ૯૦ બેઠકો માટે કુલ-૩૦૭ ઉમેદવારોનો સમાવેશ થાય છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજપીપલા નગરપાલિકાની કુલ-૨૮ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના-૨૮, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના-૧૨, આમ આદમી પાર્ટીના- ૦૨, બીટીપીના-૦૧ અને અપક્ષ-૭૨ ઉમેદવારો સહિત કુલ-૧૧૫ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા યોજાશે. તેવી જ રીતે જિલ્લા પંચાયતની કુલ-૨૨ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના-૨૨, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના-૨૨, આમ આદમી પાર્ટીના-૧૪, બીટીપીના-૧૮ અને અપક્ષ-૩ ઉમેદવારો સહિત કુલ–૭૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા થશે. તેવી જ રીતે જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતોની કુલ-૯૦ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના-૯૦, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના-૯૦, આમ આદમી પાર્ટીના- ૪૨, બીટીપીના-૬૫ અને અપક્ષ-૨૦ ઉમેદવારો સહિત કુલ-૩૦૭ ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી સ્પર્ધા થશે.

(9:22 am IST)