Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડીયમ મોટેરા મેજબાની માટે તૈયાર : ૧૧ પીચ -૪ ડ્રેસીંગ રૂમ

૨૪મીથી મોટેરા -અમદાવાદ ખાતે ભારત -ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજો ટેસ્ટ બોલથી ડે-નાઇ રમાશે : રાષ્ટ્રપતિ સ્ટેડીયમનું ઉદ્ઘાટન કરે તેવી શકયતા : અત્યાધુનિક જીમ્નેશીયમ, હોલ ઓફ ફેમ : ઇન્ડોર પ્રેકટીસ માટે ૬ પીચઃ ફકત ૩૦ મીનીટમાં ગ્રાઉન્ડમાંથી પાણી કાઢવા સબ સોયલ ડ્રેનેજ સીસ્ટમ

અમદાવાદ,તા. ૧૮: વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડીયમ મોટેરા ઉપર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીનો ત્રીજો -ચોથો મેચ રમાવાના છે. ૨૪મીથી શરૂ થતો ત્રીજો ટેસ્ટ પીંક બોલ ટેસ્ટ હશે. જે માટેની તૈયારીઓ જોર શોરથી ચાલુ છે. આ દુનિયાનું એક માત્ર સ્ટેડીયમ છે જ્યાં ૧૧ પીચ છે.

જેમાંથી ૬ પીચ જમણી તરફ લાલ માટીની છે અને અન્ય ૫ પીચ કાળી માટીની છે. આ સીવાય અહીં જ ડ્રેસીંગ રૂમ છે. વિશ્વના અન્ય કોઇ પણ સ્ટેડીયમમાં આવી વ્યવસ્થા નથી.

આ સ્ટેડીયમ નરેન્દ્રભાઇનો ડ્રીમ પ્રોજેકટ છે, જેની શરૂઆત ૨૦૧૪માં મોદીના મુખ્યમંત્રી રહેતા થયેલ. તે સમયે નરેન્દ્રભાઇ જીસીએના અધ્યક્ષ હતા. ત્યારબાદ તત્કાલીન અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ પૂર્વ ઉપાધ્યક્ષ પરિમલભાઇ નથવાણી, બીસીસીઆઇના સચિવ સહ એશીયાઇ ક્રિકેટ પરિષદના ચેરમેન તથા જીસીએના પૂર્વે સંયુકત સચિવ જય શાહ સાથે ઉપાધ્યક્ષ ધનરાજભાઇ નથવાણીનો સહયોગ રહેલ.

ભારત-ઇંગલેન્ડની ટીમો આજે અમદાવાદ પહોંચશે. બન્ને ટીમોને આશ્રમ રોડ સ્થીત હોટલમાં રખાશે. સમગ્ર હોટલ બાયો સિકયોર રહેશે. ખેલાડીઓ અને અન્ય સ્ટાફ પણ બાયો બબલ હેઠળ રહેશે. ઉપરાંત હોટલ અને કેટરીંગ સ્ટાફને પણ બાયો બબલમાં જ રખાશે. જેથી કોરોનાનો કોઇ ખતરો ઉભો ન થાય. સાથે જ ગ્રાઉન્ડ ઉપર પણ ટીમને હોટલના કેટરર દ્વારા જ ભોજપ પુરૂ પડાશે.

ગુજરાત ક્રિકેટ એસોસીએશનના સંયુકત સચિવ અનીલ પટેલ મુજબ કોરોનાને ધ્યાનમાં રાખી ટેસ્ટ મેચમાં ૫૦ ટકા દર્શકોને જ સ્ટેડીયમમાં પ્રવેશ મળશે અને તેમણે કોરોના પ્રોટોકોલનું પુરૂ ધ્યાન રાખવાનું રહેશે.

સ્ટેડીયમનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ કોવિંદ દ્વારા થાય તેવી સંભાવના છે. તેઓ ૨૩મીએ ઉદ્ઘાટન કરી શકે છે. તેઓ તે જ દિવસે ગાંધીનગરની સીયુજીના દીક્ષાંત સમારોહને સંબોધીત કરનાર છે.

૬૩ એકર જમીનમાં ફેલાયેલ સ્ટેડીયમમાં ખેલાડીઓ માટે આઉટડોરમાં ૯ પીચ પ્રેકટીસ માટે તૈયાર કરાય છે. જેમાં ૫ કાળી માટીની અને ૪ લાલ માટીની છે. જ્યારે ૬ પીચ ઇન્ડોર માટે બનાવાય છે. ડ્રેસીંગ રૂમમાં અત્યાધુનિક જીમ પણ છે. ભવિષ્યના ક્રિકેટરો તૈયાર કરવા ક્રિકેટ એકેડેમી પણ છે. ભારતમાં પહેલી વાર સૌથી મોટા ફીલ્ડ ઓફ પ્લે એલઇડી લાઇટસ હશે. આ કેટલાક એવા સ્ટેડીયમમાંનું છે. જ્યાં આખુ ગ્રાઉન્ડ રેતી આધારીત છે.

જેથી વરસાદ પડ્યા બાદ માત્ર ૩૦ મીનીટમાં ગ્રાઉન્ડમાંથી પાણી બહાર નીકળી જશે અને રમત ફરી શરૂ થઇ શકશે. જે માટે ખાસ સબ સોયલ ડ્રેનેજ સિસ્ટમ બનાવાય છે. સ્ટેડીયમ પરિસરમાં ભવ્ય હોલ ઓફ ફેમ પણ છે.

 સ્ટેડીયમની કુલ ક્ષમતા ૧.૧૦ લાખ પ્રેક્ષકો છે. કોવિડના કારણે ૫૫ હજાર દર્શકોને પ્રવેશ અપાશે. પિંક બોલ ટેસ્ટ મેચ માટે અત્યાર સુધી ઓનલાઇન ટીકીટ જ વેચાતી હતી પણ હવે જીસીએએ ઓફલાઇન વેચાણ માટે પણ નિર્ણય કર્યો છે. જે ૨૦ મીથી સ્ટેડીયમ  ખાતે વેચાણ શરૂ કરાશે. મેચના દિવસોમાં પણ સીબીસીએ નવરંગપુરા ઓફીસ ખાતેથી મળશે.

(12:45 pm IST)