Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ભારત અને ઇંગ્લેન્ડની ટીમો બપોરે અમદાવાદ પહોચશે : આશ્રમ રોડ પર હોટલ હયાતમાં 33 દિવસ સુધી રોકાશે

હોટલના ફ્લોર 1, 2, 7, 8, 9, 10 અને 11 માં ટીમના સભ્યો અને મેમ્બરો સિવાયના કોઈને પણ પ્રવેશ પર પ્રતિબંધ

અમદાવાદ : અમદાવાદમાં બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડીયમમાં આગામી 24 ફેબ્રુઆરીથી શરુ થનારી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શેર્નીનો જંગ શરુ થવા જઈ રહ્યો છે, તેમાં ભાગ લેવા ભારત અને ઇંગ્લેન્ડ ની ટીમો આજે બપોર પછી અમદાવાદ ખાતે આવી પહોચશે અને આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાત રીજન્સી માં 33 દિવસ સુધી રોકાશે. આગામી 24 ફેબ્રુઆરીથી શરુ થઇ રહેલી ટેસ્ટ મેચ ડે - નાઈટ રમાવાની છે, તેમાં ભારત નો વિજય થાય છે તો તે ક્ષણ ભારત ની ટીમ માટે એક ઐતિહાસિક ક્ષણ સાબિત થશે, કારણ કે ભારત તેની 100 મી ટેસ્ટ મેચમાં વિજય મેળવશે, વર્ષ 2000 બાદ 21 વર્ષમાં ભારત કુલ 99 ટેસ્ટ જીતી ચુક્યુ છે. 100 ટેસ્ટ જીતીને તે એશિયાની પ્રથમ ટીમ બની જશે.

હોટલ હયાતમાં તમામે તમામ ખેલાડીઓ અને ઓફીશીયલ્સ માટે કોરોના પ્રોટોકોલ નું સખ્તાઈથી પાલન કરવામાં આવશે, બંને ટીમો આજે બપોરે 4-30 વાગે એરપોર્ટ થી સીધા જ આશ્રમ રોડ પર આવેલી હયાત હોટલમાં જશે, સરકારના જણાવ્યા પ્રમાણે કોરોનાની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને બંને ટીમના ખેલાડીઓ અને સ્ટાફને બાયો બબલ સુરક્ષા હેઠળ પ્રોટોકોલ આપવામાં આવશે, આગામી 33 દિવસ સુધી હોટલનો લગભગ 130 જણાનો સ્ટાફ ઘરે જઈ શકશે નહિ માટે તેમને હોટલમાં જ રોકાવું પડશે, તેઓ પોતાના કોઈ સ્વજનને પણ મળી શકશે નહિ, હોટલના સ્ટાફ માટે રહેવા, ખાવા અને સુવાની તથા કપડાની વ્યવસ્થા હોટલમાં જ કરવામાં આવી છે. જ્યાં સુધી બંને ટીમો હોટલમાં રહેશે ત્યાં સુધી સ્ટાફને પણ ફરજીયાત પણે હોટલમાં જ રોકાવું પડશે. આઈસીસી દ્વારા ગાઈડ લાઈન્સ જાહેર કરવામાં આવી છે, તે પ્રમાણે કોઈ પણ પોલીસ અધિકારી કે કર્મચારી હોટલની અંદર પ્રવેશ મેળવી શકશે નહિ.

હોટલને એક અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવી છે, હોટલ ફરતે વાડજ પોલીસના 120 પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે, હોટલથી સ્ટેડીયમ અને રોડ ઉપરના બંદોબસ્તમાં અને સ્ટેડીયમના પાર્કિંગ એરિયામાં પોલીસના લગભગ 1200 જેટલા અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ તૈનાત રહેવાના છે. કહેવામાં આવે છે કે સ્ટેડિયમની અંદર 800 પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. જાણવા મળ્યા મુજબ હોટલના 7 માળનાં બધા જ રૂમો ભારત અને ઇંગ્લેન્ડની ટીમો માટે બુક કરી દેવામાં આવ્યા છે, કહેવામાં આવે છે કે હોટલના ફ્લોર 1, 2, 7, 8 9, 10 અને 11 માં ટીમના સભ્યો અને મેમ્બરો સિવાયના કોઈને પણ પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.આગામી 33 દિવસ સુધી હોટલની રેસ્ટોરન્ટ, સ્વીમીંગ પુલ, હોટલનું જીમ, અને ઇન્ડોર ગેમ્સ બંને ટીમના મેમ્બરો અને ઓફીશીયલ્સ સિવાય બહારના વ્યક્તિઓ માટે બંધ કરી દેવામાં આવશે. આઈસીસી નાં જણાવ્યા પ્રમાણે, બંને ટીમના પ્લેયરો મેચ રમવા માટે સ્ટેડીયમ જશે અને મેચ પત્યા પછી ત્યાંથી સીધા જ હોટલ ઉપર પાછા આવવાનું જણાવવામાં આવેલ છે, તેઓ હોટલની બહાર ક્યાય જઈ શકશે નહિ.

(1:55 pm IST)