Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

૨૨મીએ બેન્ક કર્મચારીઓ કાળી પટ્ટી પહેરશે : ૧૫-૧૬ માર્ચની હડતાલની તૈયારી

રાજકોટ, તા. ૧૮ : ગુજરાત બેન્ક વર્કસ યુનિયનના મહામંત્રી શ્રી કે.પી. અંતાણીએ જણાવ્યુ છે કે કેન્દ્ર સરકારે બજેટમાં જાહેર કરેલ છે કે બે જાહેર ક્ષેત્રની બેન્ક, આઈડીબીઆઈ અને એક સામાન્ય વિમા કંપનીનું ખાનગી કરણ કરશે. મુળ ઈન્ફ્રાસ્ટ્રકચર એટલે કે માળખાકીય ઉદ્યોગને લોન આપવા માટે આઈડીબીઆઈ સ્થપાયેલ હતી. તેને રીટેઈલ વ્યાપારમાં ફેરવી અને હવે હેતુફેર કરી ખાનગી કરવાનો નિર્ણય કરે છે. આમાં પાયાના ઉદ્યોગના ધિરાણને પ્રાધાન્ય આપવાનું નહિં આવે.

જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણને કારણે જનતાને પણ યાતના ભોગવવાની રહેશે. જાહેર ક્ષેત્રની અત્યારે થાપણ લગભગ ૧૦૬ લાખ કરોડ છે અને તે સરકારની માલિકી હોય પ્રજાને તેની મૂડી સુરક્ષિત હોય તેવો અપ્રતિમ વિશ્વાસ છે.

જો બેંકોનુ ખાનગીકરણ થશે તો તે બેન્કમાં રહેલી થાપણને રૂ.૫ લાખનું વિમા કવચ મળશે, બાકીની થાપણો સુરક્ષિત નહિં રહે આમ પ્રજાને પણ નુકશાન થશે.

ખાનગીક્ષેત્રની બેન્કો નવા - નવા ચાર્જીસ વસૂલશે. ખેતી વિષયક એ પ્રાયોરીટી સેકટરને ફરજીયાત ધિરાણ કરવા માટે જવાબદાર નહિં રહે. બેંકોની આજે લગભગ ૮ લાખ કરોડ બિનઉત્પાદક અસ્કયામતો છે તે મોટા ઉદ્યોગગૃહોની લગભગ ૮૧% જેટલી છે. આ ગૃહોને બેંકો ચલાવવા દેવી એટલે તો ગાયને ઘાસની રખેવાડી કરવા દેવા જેવુ છે.

૧૯૬૯ પહેલાના ૧૦ વર્ષમાં ૨૩૮ ખાનગી બેંકો પડી ભાંગી. છેલ્લા ૧૫ વર્ષમાં નવી ઉભી થયેલી ખાનગી બેન્કોમાંથી આઠ બેંક પડી ભાંગી છે અથવા જાહેર ક્ષેત્રની બેંકોમાં ભેળવી દેવામાં આવેલ છે.

અત્યારે જાહેર ક્ષેત્રની બેંકમાં નોકરીમાં અનામત મળે છે. ખાનગી બેન્કોમાં આ અનામત પ્રથા લાગુ નહિં પડે, વંચિત વર્ગને નુકશાન પણ થશે.

કર્મચારીઓનો વિરોધ ફકત પોતાના હિતમાં નથી પરંતુ જનસામાન્યના હિતમાં છે અને તે રાષ્ટ્રનિર્માણના હિતમાં પણ છે. ગુજરાતના બેન્ક કર્મચારીઓ ચૂંટણીના માહોલને લક્ષમાં લઈ ૧૫-૧૬ માર્ચની હડતાલ પૂર્વે તા.૨૨ના રોજ યુએફબીયુના આદેશ મુજબ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરશે તેમ શ્રી અંતાણીએ જણાવ્યુ છે.

(3:57 pm IST)