Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

રવિવારે મતદાનઃ ૬ મહાનગરપાલીકા માટે કોરોનાના ભય વચ્ચે ખરાખરીના ખેલ મંડાયા

સહુના મોઢે એક જ વાતઃ પંજાબની અસર પડશે? ગયા વખતે પ૭૬ બેઠકમાંથી ૩૪૩ ભાજપ જીતી ગયેલ અને બધા કોર્પોરેશન કબ્જે કરેલ

રાજકોટ, તા., ૧૮ : અમદાવાદ સહિત રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આગામી રવિવારે મતદાન યોજાનાર છે. મતદાનના છ દિવસ પહેલાં સટ્ટા બજારે વરતારો જાહેર કરીને સટ્ટાબૂકીંગ શરુ કર્યું છે. રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે છ મહાનગરપાલિકાની કુલ ૫૭૬ બેઠકમાંથી ૪૨૫ બેઠક ઉપર ભાજપ જીતશે તેવા ભાવ સટ્ટાબજારે કાઢ્યા છે. છેલ્લી ટર્મ પૂરી થઈ ત્યારે ભાજપના કુલ ૩૪૩ કોર્પોરેટર હતાં અને વર્તમાન માહોલમાં તેમાં વધારો દર્શાવાયો છે. આવા આંકડાકીય ગણિતને ધ્યાને લઈને અમુક બૂકીઓ માને છે કે, ખેલીઓને ખંખેરી લેવાના ભાવ સટ્ટાબજારમાં કાઢવામાં આવ્યાં છે.

એક લાખ રૂપિયા જીતે અને હારે તો ...

છ મહાનગરપાલિકામાં ભાજપના કુલ ૩૪૩ કોર્પોરેટર હતાં. મતદાનના છ દિવસ અગાઉ બુકીબજારે ચૂંટણી સટ્ટાના ભાવ જાહેર કર્યાં છે. બુકીબજારના અનુમાન મુજબ છ મહાનગરપાલિકાની કુલ ૫૭૬ બેઠકમાંથી ૪૨૫ બેઠક ભાજપ જીતી શકે છે. બુકીબજારે ફરી વખત છ મહાનગરપાલિકામાં ભાજપની જીત થશે તેવી ધારણા ઉપરાંત બેઠકો વધશે તેવા અંદાજ સાથેના ભાવ કાઢ્યા છે.

ભાજપની જીત થશે તેવી ધારણા

અમદાવાદ મહાનગરપાલિકામાં ૧૪૩ કોર્પોરેટર હતાં તે વધીને ૧૫૩થી ૧૫૬, સુરતમાં ૮૦થી વધી ૮૬થી ૮૯, વડોદરામાં ૫૭ હતાં તેની સામે ૬૦-૬૨, રાજકોટમાં ૪૦ સામે ૫૧-૫૩, જામનગરમાં ૩૮ સામે ૪૨થી ૪૪ અને ભાવનગરમાં ૩૪ સામે ૩૪થી ૩૭ બેઠકો ભાજપ જીતશે તેવા અનુમાન સાથે સટ્ટો બુક કરવામાં આવી રહ્યો છે. બુકી બજાર સેશન પદ્ધતિથી છ મહાનગરપાલિકાનો સટ્ટો રમાડવા માટે તત્પર બની છે. સેશન પદ્ધતિ મુજબ અમદાવાદમાં ભાજપ ૧૫૩ સીટ નહીં જીતે અથવા જીતશે તેમ કહી કોઈ વ્યકિત એક લાખ રુપિયાનો સટ્ટો બૂક કરાવે અને પૈસા જમા કરાવે છે. આ ધારણા સાચી પડે તો બુકી બજાર એક લાખ સામે બે લાખ રુપિયા આપે છે. તો, બુકીબજારની ધારણા અનુસાન ભાજપ મહત્તમ ૧૫૬ સીટ જીતશે કે નહીં જીતે તેના પર લગાવેલા ૧ લાખનું અનુમાન સાચું ન પડે તો પૈસા ગુમાવવા પડે છે. જો અનુમાન સાચું પડે તો બમણાં નાણાં ખેલીને મળે છે.  બુકી બજારના સૂત્રો કહે છે કે, વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ સટ્ટો રમાય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓછો સટ્ટો રમાય છે અને ૧૦૦થી ૧૫૦ કરોડનો સટ્ટો બુક થવાની ધારણા સાથે સટ્ટાબજારમાં મંગળવારે  ભાજપના મહાનગરપાલિકા માટેના ભાવ જાહેર કરાયાં છે. કોંગ્રેસ માટે હજુ ભાવ જાહેર થયાં નથી.

આપ ખાતુ ખોલશે ?

આમ આદમી પાર્ટી ખાતું ખોલાવશે તેવી ધારણા બુકી બજાર વ્યકત કરે છે. બુકી બજાર જે-તે મહાપાલિકાની કુલ બેઠક પર સટ્ટો રમાડે છે. પણ, સ્થાનિક કક્ષાએ વોર્ડદીઠ પેનલમાં કોણ મહત્તમ મત મેળવશે, મતદાન ઘટશે કે વધશે? કેટલી લીડ મળશે? તેવા સ્થાનિક કક્ષાના સટ્ટા રમાશે. ડબ્બા તરીકે રમાતા સ્થાનિક કાર્યકરો વચ્ચેના સટ્ટામાં ૧૦૦ થી માંડી ૧૦૦૦૦ રૂપિયા સુધીની શરતો લાગતી હોય છે.

બુકી બજારના સૂત્રોનું કહેવું છે કે, સ્થાનિક ચૂંટણીમાં ભાજપ તરફી સટ્ટાના ભાવ રાજકોટના નામચીન બૂકીએ જાહેર કર્યાં છે. આંતરરાષ્ટ્રીય સ્તરના બની ચૂકેલાં બુકીએ સેશનના ચૂંટણી સટ્ટાના ભાવ એવી રીતે કાઢ્યા છે કે, કરોડો રૂપિયાની કમાણી આ બૂકી જ કરી જાય. ખેલીને ખંખેરી લેવાના ભાવ હોવાનું માનવા પાછળ અમુક બૂકી છેલ્લી ટર્મમાં ભાજપની બેઠકો, વર્તમાન સ્થિતિ અને જનઆક્રોશ સહિતની ગણતરીઓ કરીને મોટા ગજાનાં બૂકીએ કરોડો કમાવાનો ખેલ શરૂ કર્યાની ચર્ચા છે.

કોંગ્રેસ-આપના ભાવ ખોલાયા નથી

બૂકી બજારે રાજ્યની છ મહા નગર પાલિકામાં ભાજપની જીત દર્શાવતા ભાવ કાઢ્યાં છે. વર્તમાન સ્થિતિએ હાર કે જીત લગાવવા માટે જે આંકડા જાહેર કરાયાં છે તેમાં સામાન્ય ફેરફાર શક્ય છે. મતદાન પછી અને પરિણામ પહેલાં સટ્ટાના આ આંકડામાં ઉછાળો આવી શકે છે. બુકી બજારમાં હજુ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના ભાવ ખોલાયા નથી. બૂકી બજાર માને છે કે, આમ આદમી પાર્ટી ખાતું ખોલશે. 

(3:58 pm IST)