Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

કલોલ તાલુકાના પલસાણા નજીક ભેંસોના તબેલામાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો

કલોલ:તાલુકાના પલસાણા ગામે ભેંસોના તબેલામાં વિદેશી દારૃ સંતાડાયો હોવાની બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડીને દારૃની ૩૦ બોટલ કબ્જે કરી લીધી હતી. જયારે દારૃનો વેપલો કરતો શખ્સ ભાગી જવામાં સફળ રહયો હતો. પોલીસે ૧ર હજારનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ શરૃ કરી છે.  

આગામી તા.ર૮ ફેબુ્રઆરીએ ગાંધીનગર જિલ્લામાં જિલ્લા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાવાની છે જેને અનુલક્ષી ગાંધીનગર જિલ્લામાં પ્રોહીબીશન ડ્રાઈવ શરૃ કરવામાં આવી છે. પોલીસ બાતમીદારોને સક્રિય કરીને ઠેકઠેકાણે દારૃ સંબંધી દરોડા પાડી રહી છે ત્યારે કલોલ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે પલસાણા ગામે અંબિકાનગર હુડકો વસાહતમાં રહેતો હમીરજી ઉર્ફે ગટો જશુજી ઠાકોર હાઈસ્કુલની પાછળ આવેલા ચરામાં તેના ભેસો બાંધવાના તબેલામાં વિદેશી દારૃ રાખીને તેનો વેપાર કરે છે. આ બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં હમીરજી ઠાકોર હાથમાં આવ્યો નહોતો પરંતુ વાડાના ઉકરડામાંથી વિદેશી દારૃની અલગ અલગ બ્રાન્ડની ૩૦ બોટલ મળી આવી હતી. ૧ર હજારનો મુદ્દામાલ કબ્જે કરીને પોલીસે તેની સામે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે. તેના પકડાયા બાદ જ ખબર પડશે કે દારૃનો જથ્થો કયાંથી લવાયો હતો અને કોને કોને વેચવામાં આવતો હતો. 

(5:12 pm IST)