Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ગાંધીનગર નજીક રિંગરોડ પર કાપડના વેપારીની બેગ લઇ તસ્કરો રફુચક્કર

ગાંધીનગર:શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક રીંગરોડ ઉપર એપોલો સર્કલ પાસે કુડાસણના વેપારી લારી ઉપર કપડાંનો વેપાર કરતાં હતા. જેમની ગઈરાત્રે કોઈ તસ્કરો ૩પ હજારના કપડાં ભરેલી લારી ચોરીને પલાયન થઈ ગયા હતા. જે સંદર્ભે અડાલજ પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે ફરીયાદ નોંધી તસ્કરોને પકડવા દોડધામ શરૃ કરી છે. 

હાલમાં છેલ્લા થોડા સમયથી શહેર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે રીંગરોડ ઉપર એપોલો સર્કલ પાસે કપડાં ભરેલી લારી જ ચોરાઈ જવાની ઘટના બનવા પામી છે. જે સંદર્ભે વેપારી કુડાસણની શુકન સ્કાય સોસાયટીના મકાન નં.ડી-૩૦૪માં રહેતા અશોકકુમાર પરસોત્તમદાસ સીંધીએ ફરીયાદ નોંધાવી હતી કે તેઓ છેલ્લા દસ વર્ષથી એપોલો સર્કલ પાસે રોડ ઉપર લારી રાખીને રેડીમેડ કપડાંનો વેપાર કરે છે. ગઈકાલે સાંજના સમયે તેઓ આ લારી બંધ કરીને ઘરે ગયા હતા અને આજે સવારે આઠ વાગ્યે અહીં પહોંચતાં તેમની લારી જ જણાઈ નહોતી. આસપાસમાં તપાસ કરવા છતાં લારી મળી આવી નહોતી. જેથી કોઈ ઈસમ તેની ચોરી કરી ગયો હોવાનું જણાયું હતું. જેથી આ સંદર્ભે તેમણે અડાલજ પોલીસને જાણ કરતાં ૩પ હજારના કપડાં અને આઠ હજારની લારી મળી ૪૩ હજારની મત્તાની ચોરીનો ગુનો નોંધી તસ્કરોને પકડવા માટે દોડધામ શરૃ કરી છે. 

(5:13 pm IST)